હિમાચલ પ્રદેશમાં થયેલા મોટા માર્ગ અકસ્માત બાદ છેલ્લા 11 દિવસથી વેન્ટિલેટર પર રહ્યા બાદ પંજાબી ગાયક રાજવીર જવાંડા (Rajvir Jawanda) નું બુધવારે (8 ઓક્ટોબર) ના રોજ અવસાન થયું છે. પ્રખ્યાત ગાયકને 27 સપ્ટેમ્બરના રોજ બદ્દી (હિમાચલ પ્રદેશમાં) નજીક ઇજા થઈ હતી, જેના કારણે કલાકારને માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓ લાઇફ સપોર્ટ પર હતા.
સિંગર રાજવીર જવાંડા અકસ્માત
રાજવીર જવાંડા જે પરિણીત હતા અને બે નાના બાળકોના પિતા હતા, તેનું પંજાબના મોહાલીમાં મોત નીપજ્યું હતું. અનેક અહેવાલો અનુસાર, રાજવીર શિમલા જઈ રહ્યો હતો ત્યારે સોલન જિલ્લાના બદ્દી નજીક તેણે પોતાની મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવ્યો હતો.
તેને સૌપ્રથમ સોલન જિલ્લાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, અને પછી તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બપોરે લગભગ 1:45 વાગ્યે ફોર્ટિસ પહોંચ્યા પછી, તબીબી અને ન્યુરોસર્જરી ટીમોએ તાત્કાલિક મૂલ્યાંકન અને સારવાર શરૂ કરી હતી. અહેવાલો અનુસાર, રાજવીરને માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તે છેલ્લા 11 દિવસથી વેન્ટિલેટર પર હતો,હોસ્પિટલના સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ ગંભીર રહી છે, મગજની પ્રવૃત્તિ ઓછી છે અને સુધારો થવો થોડો મુશ્કેલ છે.
રાજવીરની ગંભીર સ્થિતિના સમાચારથી પંજાબી મનોરંજન જગત અને ચાહકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. દિલજીત દોસાંઝ, નીરુ બાજવા, એમી વિર્ક, ગિપ્પી ગ્રેવાલ, કંવર ગ્રેવાલ અને અન્ય જેવા મોટા નામોએ એકતા અને પ્રાર્થનાના મેસેજ પોસ્ટ કર્યા હતા. હોંગકોંગમાં તેના એક કોન્સર્ટમાં દિલજીત દોસાંઝે તો પોતાનું પ્રદર્શન અટકાવી દીધું હતું અને પ્રેક્ષકોને રાજવીરના સ્વસ્થ થવા માટે સામૂહિક પ્રાર્થના મોકલવા વિનંતી કરી હતી. “દુઆ મેં અસર હૈ,” તેમણે પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ પર ભાર મૂકતા કહ્યું હતું.’
રાજવીરની માતાએ પણ પુષ્ટિ આપી હતી કે પંજાબી સંગીત ઉદ્યોગના ઘણા મિત્રો અને વ્યાવસાયિકો આ કટોકટી દરમિયાન વધતા તબીબી બિલોમાં મદદ કરવા અને પરિવારને ટેકો આપવા માટે આગળ આવ્યા હતા.
રાજવીર જવાંડા કોણ હતા?
પંજાબમાં જન્મેલા રાજવીર જવાંદાએ પંજાબી સંગીતમાં ‘તુ દીસ પેંડા’, ‘ખુશ રેહા કર’, ‘સરદારી’, ‘સરનેમ’, ‘આફરીન’, ‘જમીનદાર’, ‘ડાઉન ટુ અર્થ’ અને ‘કંગાણી’ જેવા ગીતોથી ઓળખ મેળવી હતી, તેણે સુબેદાર જોગીન્દર સિંહ (2018), જીંદ જાન (2019), અને મિંડો તસીલદારની (2019) જેવી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.