બે અભિનેત્રીઓ વચ્ચે કોમેન્ટ વોરઃ જાણીતી અભિનેત્રી રાખી સાવંત અને બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. બંને એક્ટ્રેસના એકબીજા વિરુદ્ધ બોલાચાલીના કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. રાખી સાવંતે શર્લિન વિરુદ્ધ તેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે કેસ દાખલ કર્યો હતો.
શર્લિને તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા સાજિદ ખાન વિરુદ્ધ જાતીય સતામણી માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાખી સાજિદના સમર્થનમાં આવી અને શર્લિનને ખરીખોટી સંભળાવી હતી. જેનાથી ગુસ્સે ભરાયેલી શર્લિને કથિત રીતે મીડિયાની સામે રાખી સાવંતની મજાક ઉડાવી હતી. આટલું જ નહીં તેમના પર ઘણા વ્યક્તિગત આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.
આ મામલે રાખી સાવંત શનિવારે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચી અને શર્લિન ચોપરા અને તેના વકીલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. તેણે મીડિયાને જણાવ્યું કે શર્લિનની ટિપ્પણીથી તેની અંગત જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેણે કહ્યું કે તેના પ્રેમીએ હવે તેને ઘણા પ્રકારના સવાલો અને જવાબો પૂછવાનું શરૂ કરી દીધું છે.
રાખીએ મીડિયાને કહ્યું, “મને એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે મારા વિશે શર્લિનની ટિપ્પણીઓથી મારા જીવનમાં ઉથલપાથલ થઈ છે. તેના કારણે મારા તાજેતરના બોયફ્રેન્ડે મને પૂછ્યું કે ‘શું શર્લિન જે કહે છે તેમાં કોઈ સત્ય છે’, શું મારા ખરેખર 10 બોયફ્રેન્ડ છે. તેણે મીડિયામાં જે કહ્યું તેના માટે મારે ઘણું સહન કરવું પડશે.”
રાખી સાવંત અને તેના વકીલે મીડિયાને જણાવ્યું કે, તેમની પાસે શર્લિન સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેના ‘સંપૂર્ણ પુરાવા’ છે. વકીલે કહ્યું, રાખી “પુરાવાઓના આધારે” વાત કરી રહી છે. આ દરમિયાન રાખીએ શર્લિન ચોપરાનો કથિત વીડિયો પણ ચલાવ્યો હતો. રાખીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે શર્લિન “પૈસા માટે શક્તિશાળી પુરુષોને બ્લેકમેલ કરે છે.”