સાઉથના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) એ વિશ્વભરમાં પોતના નામનો ડંકો વગાડ્યો છે. આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતે મનોરંજનની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો છે. સાથે જ ફિલ્મમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆરની એક્ટિંગના પણ ખુબ જ વખાણ થયા હતા. ત્યારે હવે અભિનેતા રામ ચરણે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે.
રામ ચરણે ઓસ્કર 2023 સમારોહમાં ‘નાટુ નાટુ ગીત’ પર કેમ પર્ફોમન્સ આપ્યું તે અંગે ખુલાસો કર્યો છે. રામ ચરણે તાજેતરમાં ઇન્ડિયા ટુડેના કોન્કલેવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું હતું કે, ‘તે 95માં અકાદમી એવોર્ડ મંચ પર ઓસ્કર વિજેતા ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરવા માગતો હતો. જે માટે તે ખુબ જ ઉત્સાહિત હતો અને સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી હતી. હું માત્ર કોલની રાહ જોતો હતો, પરંતુ શું થયું કંઇ ખબર નથી. મને કદી કોઇ ફોન આવ્યો જ નહીં. જો કે હવે આ અંગે વાત કરવાનો કોઇ અર્થ નથી. તે દિવસ જે ગ્રુપે ડાન્સ કર્યો તે પણ ખુબ જ સરસ હતો. તેઓએ અમારા કરતા પણ વધુ સારો ડાન્સ કર્યો હતો’.
રામ ચરણના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં આરસી 15માં અભિનેત્રી કિયારા અડવાણી સાથે જોવા મળશે. આ ફિલ્મને શંકર ડિરેક્ટ કરશે. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: બોલિવૂડમાં કાસ્ટિંગ ‘રાજકારણ અને નાટક’ પર નિર્ભર ન હોવું જોઈએ: પ્રિયંકા ચોપરા
રામચરણ સાથે કામ કરવાની પોતાને મળેલી આ તકને લઈને કિયારાએ કહ્યું હતું કે ‘આ મારા માટે ચોક્કસ બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અને અનુભવી કલાકાર સાથે કામ કરવાની તક મળતાં હું ખૂબ ઉત્સાહી છું.’