બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kuamr) અને રવીના ટંડન (Raveena Tondon) ની જોડી ફેન્સને આજે પણ ખુબ જ પસંદ છે. તેઓ 1993માં આવેલી ફિલ્મ ‘મહોરા’ફિલ્મ પછી ક્લોઝ આવ્યા હતા અને 1995થી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં તેમણે સગાઈ પણ કરી લીધી હતી. જો કે કોઇ કારણસર તેમની સગાઇ તૂટી ગઇ અને ત્યારથી બંનેના રસ્તા જુદા પડી ગયા. તે દિવસ અને આજનો દિવસ બંને ક્યારેય એકબીજા સામે ફંક્શન કે પાર્ટીમાં સામે જોવાની વાત તો દૂર પરંતુ ફિલ્મમાં પણ સાથે કામ નથી કર્યું. જો કે રવીના ટંડને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના અને અક્ષય કુમારના સંબંધોને લઇને ખુલાસો કર્યો છે.
રવીના ટંડને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણી હજુ પણ અક્ષય કુમાર સાથે મિત્રતા ધરાવે છે. આ સાથે તેણે શિલ્પા શેટ્ટી સાથે તેની મિત્રતા અંગે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે 90ના દાયકામાં શિલ્પાને પણ ડેટ કરી હતી.
રવીના ટંડને ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અક્ષય અને હું હજુ પણ મિત્ર છીએ. દરેકના જીવનમાં એક યાત્રા હોય છે. તમારે તેનું સન્માન અને આગળ વધવાની જરૂર છે. હું તેના વિશે વધુ વિચારું છું. મને લાગે છે કે, અક્ષય કુમાર અમારા ઉધોગમાં સૌથી મજબૂત સ્તંભોમાંથી એક છે.
શિલ્પા શેટ્ટી સાથે તેની મિત્રતા પર સવાલ પૂછતા રવીના ટંડને કહ્યું કે, બંને ગાઢ મિત્રો બની ગયા છે. એવી વસ્તુઓ છે જે અમને સાથે બાંધે છે. તેમજ એવા અનુભવ છે જે અમને એકસાથે બાંધે છે. શમિતા અને શિલ્પા મારા પતિ અનિલ થડાનીના ગાઢ મિત્રો છે. આ સાથે રવીના કહ્યું કે, અમે અમારા સારા અને ખરાબ સમયને સાથે શેર કરીએ છીએ.
આ પહેલા ANIને આપેલા ઇન્ટરવ્યુમાં રવીના ટંડને અક્ષય કુમારે સાથે તેની તુટી ગયેલી સગાઇ અંગે વાતચીત કરી હતી. રવીનાએ કહ્યું કે, મોહરા દરમિયાન અમે એક હિટ કપલ હતા અને આજે પણ છીએ. મહત્વનું છે કે, ફિલ્મ મોહરા સમયે જ રવીના ટંડન અને અક્ષય કુમાર નિકટ આવ્યા હતા.
વધુમાં રવીનાએ કહ્યું હતું કે, જ્યારે અમે જાહેરમાં એકબીજા સાથે ટકરાઇ છીએ તો અમે બધા મળીએ છીએ, અમે બધા ચેટ કરીએ છીએ. બધા આગળ વધે છે. કોલેજમાં છોકરીએ દર સપ્તાહે બોયફ્રેન્ડ બદલાવે છે, પરંતુ એક સાગઇ જો તુટી ગઇ છે તે હજુ પણ મારા માથામાં અટવાયેલી છે. મને ખબર નથી કેમ? દરેક લોકો આગળ વધી જાય છે, લોકો ડિવોર્સ લેતા હોય છે તેઓ પણ આગળ વધી જાય છે, એમાં શું મોટી વાત છે? રવીના અને અક્ષયે મોહરા, ખિલાડીયો કા ખિલાડી, બારૂદ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
મહત્વનું છે કે, થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, અક્ષય અને રવિના HT ઇન્ડિયાના મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ 2023માં એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. એક્ટ્રેસે બ્લેક કલરનું પ્રિન્ટેડ ગાઉન પહેર્યું છે, જેમાં લોન્ગ કટ છે, તે પોતાની હીલ્સ દેખાડીને કંઈક કહી રહી છે તો અક્કી પણ જવાબમાં માથુ હલાવે છે. અન્ય એક વીડિયોમાં રવીના અક્ષયના વખાણ કરતાં કહી રહી છે કે ’90ના દશકામાં તે રોકસ્ટાર હતો અને આજે પણ તે રોકસ્ટાર છે’. પોતાના વખાણ સાંભળી એક્ટર હસવા લાગે છે તો ઓડિયન્સ પણ તેમને ચીયર કરે છે. બંનેને સાથે જોઈ ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, છેલ્લે એક્ટર યશ સાથે ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’માં જોવા મળેલી રવીના ટંડન પાસે ફિલ્મ ‘ઘુડચઢી’ છે, જેમાં સંજય દત્ત, ખુશાલી કુમાર, અરુણા ઈરાની અને પાર્થ સમથાન પણ મહત્વના રોલમાં છે. બીજી તરફ, અક્ષય કુમાર હાલ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય તે ફરી એકવાર સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ફિલ્મ ‘હેરા ફેરી 3’માં દેખાશે.