બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રિચા ચઢ્ઢા આ દિવસોમાં PoK પર આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદીના ટ્વીટને રીટ્વીટ કરવા અને ગલવાન ઘાટીનું નામ વચ્ચે લાવવા માટે વિવાદમાં ઘેરાય છે. રિચા ચઢ્ઢા પર સેનાના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર યૂઝર્સથી લઇ દિગ્ગજ કલાકરો પોતાનો મંતવ્ય પ્રગટ કરી રહ્યા છે. તેમજ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર મામલો ઉગ્ર બનતા રિચા ચઢ્ઢાએ અન્ય એક ટ્વીટ કરીને માફી માંગી છે. તેમ છતાં આ મામલો શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો છે. ઘણા કલાકારો રિચા ચઢ્ઢાની આલોચના કરી રહ્યા છે. તો ઘણા કલાકારો અભિનેત્રીના સમર્થનમાં પણ આવ્યાં છે. આ દરમિયાન સ્વરા ભાસ્કર અને પ્રકાશ રાજ એક્ટ્રેસના પક્ષમાં આવ્યા હતા. જ્યારે અનુપમ ખેર, અક્ષય કુમાર, વિવેક અગ્નિહોત્રી અને અશોક પંડિત જેવી હસ્તિઓ તેનો વારો કાઢતાં નજર આવ્યાં હતાં.
તાજેતરમાં પ્રકાશ રાજે રિચા ચઢ્ઢાને સપોર્ટ કરતા ટ્વીટ કર્યું હતું કે, તમારી પાસેથી આ પ્રકારની અપેક્ષા ન હતી અક્ષય કુમાર….રિચા ચઢ્ઢા આપણા દેશ માટે તમારાથી વધુ પ્રાસંગિક છે સર. આ પહેલા પણ પ્રકાશ રાજે રિચા ચઢ્ઢાના ગલવાન ઘાટી ટ્વીટ સંબંધિત લખ્યું હતું કે, અમે તમારી સાથે છીએ. પ્રકાશ રાજના આ ટ્વીટ પર અશોક પંડિતે પ્રતિક્રિયા આપી હતી કે, અર્બન નક્સલના સભ્ય હોવાને પગલે અમને તમારી પાસેથી આ જ આશા હતી પ્રકાશ રાજ.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રિચા ચઢ્ઢા વિરુદ્ધ એક વીડિયો શેર કરતા અશોક પંડિતે લખ્યું હતું કે, આ વીડિયો રિચા ચઢ્ઢા જેવા અર્બન નક્સલવાદીઓ માટે મોટી થપ્પડ છે. આ બાળકી દેશનું ગૌરવ છે.
ફિલ્મમેકરના ટ્વીટ પર યુઝર્સની પ્રતિક્રિયા
અશોક પંડિતના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિષેક નામના યુઝરે લખ્યું કે ‘ઘણા સાપ બહાર આવવાના બાકી છે,જે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે’.જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘વિલેનનો રોલ કરીને પૂરા અર્બન નક્સલ થઇ ગયા છો. તો વિનોદ નામના યુઝરે લખ્યું કે ‘ ફરી રિચા ચડ્ડાના સમર્થનમાં આવીને સાબિત કરી દીધું છે કે ભારત તેમના માટે કોઈ મહત્વ ધરાવતું નથી. આ એ જ લોકો છે જેઓ કલમ 370 નાબૂદ સમયે પણ દેશ વિરોધી માનસિકતા સાથે હંગામો મચાવી રહ્યા હતા.