Salman Khan Birthday : ફિલ્મ અભિનેતા સલમાન ખાનના જન્મ દિવસ પર તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો મુંબઈ સ્થિત તેના ઘરની બહાર એકઠા થયા હતા. ભીડ બેકાબુ થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન ઘણા પ્રશંસકો જમીન પર પડી ગયા હતા અને ઘણા ઇજાગસ્ત થયા હતા. વિભિન્ન શહેરોથી આવેલા પ્રશંસકો પોતાના સ્ટારને અભિનંદન પાઠવવા માટે સવારથી જ સલમાન ખાનના મુંબઇ સ્થિત આવાસ પર ઉમટ્યા હતા.
ઘણા પ્રશંસકો પોતાની સાથે મીઠાઇ, ટી શર્ટ, સલમાનના મોટા-મોટા પોસ્ટર પણ લાવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે પ્રશંસકો ઘરની નજીક જવા લાગ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે ન અટક્યા તો પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ ઉભી થઇ હતી.

મંગળવારે સલમાન ખાન 57 વર્ષનો થઇ ગયો છે. આ પ્રસંગે સલમાન ખાને પોતાના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર હાથ હલાવીને પ્રશંસકોનું અભિવાદન કર્યું હતું. પોતાના ઘરની બાલકનીમાં ઉભા રહીને પ્રશંસકોને પોતાનો ચહેરો બતાવ્યો હતો. સલમાન ખાને પ્રશંસકોનો આભાર માન્યો હતો. અભિનેતાએ પોતાના પિતા સલીમ ખાન સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ઉભેલા પ્રશંસકોનું અભિવાદન કર્યું હતું.
આ પણ વાંચો – સલમાન ખાને હજી સુધી કેમ નથી કર્યા લગ્ન? ભાઇજાન આટલી અભિનેત્રીઓ સાથે રહ્યો હતો રિલેશનશિપમાં
સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે તમારો બધાનો ધન્યવાદ. સલમાને એક સાધારણ ગ્રે કલરની ટી શર્ટ પહેરી હતી. જ્યારે સલીમ ખાને વાદળી રંગની ચેકવાળી શર્ટ પહેરી હતી. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ગત રાત્રે બર્થ ડે ની યજમાની કરી હતી. જેમાં શાહરુખ ખાન, તબ્બુ, કાર્તિક આર્યન, પૂજા હેગડે, જેનેલિયા ડિસુજા, રિતેશ દેશમુખ, સોનાક્ષી સિન્હા સહિત ઘણા સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
ફિલ્મની વાત કરવામાં આવે તો સલમાન ખાને હાલમાં જ ફરહાદ સામજીની કિસી કા ભાઇ કિસી કી જાનનું શૂટિંગ પુરું કર્યું છે. આ ફિલ્મ ઇદ 2023ના દિવસે રિલીઝ થશે.