Firing Outside Salman khan Home in Mumbai : સલમાન ખાન : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જાણકારી મુજબ બે હુમલાખોરો બાઈક પર સવાર થઈને આવ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટના સવારે 4.55 વાગ્યાની છે. ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ઘણી વખત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેના જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. તેણે અભિનેતા-ગાયક ગિપ્પી ગ્રેવાલના કેનેડા ખાતેના નિવાસસ્થાન પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે સલમાન ખાન સાથેના નજીકના સંબંધોને કારણે એના પર હુમલો થયો હતો. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
સલમાન ખાનને હાલ વાય-પ્લસ સિક્યોરિટી
સલમાન ખાન પાસે હાલ વાય-પ્લસ સિક્યોરિટી છે. ગત વર્ષે સલમાન ખાનની ઓફિસમાં પણ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. સલમાનના નજીકના સાથી પ્રશાંત ગુંજલકરને રોહિત ગર્ગ તરફથી ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ઇમેલના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.





