ડોન 3ને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે. શાહરૂખ ખાને ડોન 3ની ઓફર ઠુકરાવી દીધી હોવાના સમાચાર સામે આવ્યાં છે. તેથી ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચનની ડોન તરીકેની ભૂમિકા યાદગાર ગણાય છે. આ પછી શાહરૂખ ખાનની ડોનના બે ભાગ આવ્યાં હતા.પરંતુ હવે બોલિવૂડ અમિતાભ અને શાહરૂખ જેવી દમદાર છાપ છોડી તેવા નવા ડોનની શોઘમાં છે.
એક વાત તો ફાઇનલ છે કે, ફરહાન અખ્તર આટલા મોટા પ્રોજેક્ટ માટે કોઈ એ લિસ્ટમાં સ્થાન ધરાવતા સ્ટાર્સનું જ નામ નક્કી કરશે. જો કે અત્યારથી જ રણવીર સિંહ અને હૃતિક રોશન આ હોડમાં સામેલ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ બંને કલાકારોને નવા ડોન તરીકે તક આપવા માટે રીતસરની ઝુંબેશ ચાલી હતી. મોટાભાગે કલાકારોની પ્રચાર એજન્સીઓ જ આવી ઝુંબેશને હવા આપતી હોય છે. હૃતિક અને રણવીર બંને ફરહાન સાથે સારું ટયુનિંગ ધરાવે છે અને તેની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
એવા પણ સમાચાર પ્રકાશમાં આવ્યાં છે કે, હવે ‘ડોન-3’માં પ્રિયંકાની રી એન્ટ્રી પણ હવે શક્ય બની છે. ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પ્રિયંકા જ શાહરુખની હિરોઈન હતી. જો કે તે વખતે બંને વચ્ચે અફેર ચાલતું હોવાનું કહેવાય છે. શાહરુખની પત્ની ગૌરીએ શાહરુખને બ્રેક અપ કરવાની ફરજ પાડી હતી. તે પછી તેણે કરણ જોહરની મદદથી પ્રિયંકાને શાહરુખ સાથેના તમામ પ્રોજેક્ટમાંથી દૂર કરાવી હતી. આથી જો ‘ડોન-3’ ત્રીજી વાર બને તો શાહરુખની હિરોઈન પ્રિયંકા નહિ હોય એ નક્કી હતું. પરંતુ હવે ખુદ શાહરુખ રેસમાંથી ખસી જતાં પ્રિયંકા માટે આ પ્રોજેકટમાં પાછા ફરવાની તક ઊભી થઈ છે. દરમિયાન, શાહરુખના કેટલાય ચાહકોએ તેમને શાહરુખ સિવાય બીજો કોઈ ડોન સ્વીકાર્ય નથી એવી ઝુંબેશ પણ શરુ કરી છે.