મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઇ મુંબઇ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બોલિવૂડ સૂપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસને લઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ કરી હતી. જેમાં આર્યન ખાન પર નિશાન સાધી તેને આ કેસમાં ફસાવ્યો હોવાનું તથ્ય સામે આવ્યું છે.
આ સાથે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પહેલાં થયેલી તપાસમાં ખામી હોવાનો પણ ખુલાસો થયો છે. જેને લઇને 7થી 8 ઓફિસરો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે આ તમામ ઓફિસરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ANIના રિપોર્ટ પ્રમાણે NCBની તપાસમાં ઉલ્લેખ છે કે, આર્યન ખાનને કાયદેસર પ્લાન ઘડી ટાર્ગેટ કરવામાં આવ્યો છે.
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજેલેંસ ટીમે તપાસ રિપોર્ટને દિલ્હી મુખ્યાલય સુપરત કર્યો છે. રિપોર્ટના નિરીક્ષણ બાદ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે બોલિવૂડ એક્ટર કમલ આર ખાને પ્રતિક્રિયા આપી છે. કમલ આર ખાને ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે.
કમલ આર ખાને ટ્વિટર પર આર્યન ખાનનું સમર્થન કરતા સરકાર પાસે સહાય આપવાની માંગણી કરી છે. કેઆરકે ટ્વીટમાં લખ્યું હતું કે, NCBની તપાસના મતે આર્યન ખાનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હતો. જેને પગલે હવે દરેક મીડિયા ચેનલે આર્યનની મીડિયા ટ્રાયલ કરવા માટે સત્તાવાર રીતે માફી માંગવી જોઇએ.
કેઆરકેએ વધુમાં લખ્યું છે કે, સરકારે પણ આર્યનને કોઇ વાંક વગર જેલવાસ કરાવવા બદલ સહાય આપવી જોઇએ. મહત્વનું છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં NCBએ મુંબઇથી ગોવા તરફ જતા ક્રૂઝ પર રેડ પાડી હતી. જેમાં આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન સહિત તેના સાથીદાર મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચેંટ વિરુધ્ધ કેસ નોંધાવામાં આવ્યો હતો.
આર્યન ખાન વિરુદ્ધ NDPS એક્ટની કલમ 27, 8C અને અન્ય કલમો લગાવવામાં આવી હતી. જો કે આર્યનને બાદમાં આ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. કુલ 5 લોકોને ક્લીનચીટ મળી છે. આ સમગ્ર મામલામાં NCB ઓફિસર સમીર વાનખેડેની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો. વિરોધ પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો હતો.