બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આવારનવાર ચર્ચામાં રહે છે. આર્યન ખાન ટૂંક સમયમાં જ બોલિવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરશે, પરંતુ તે પહેલા આર્યન ખાન તેના દારૂના બિઝનેસને કારણે ચર્ચામાં આવ્યો છે. આર્યન ખાને અન્ય બે લોકો સાથે મળીને સ્લેબ વેન્ચર નામની એક કંપની બનાવી છે અને વિશ્વની સૌથી મોટી બિયર બનાવનારી કંપની AB InBev સાથે ભાગીદારી કરી છે.
શરૂઆતમાં આ કંપની ભારતમાં તેની પ્રીમિયમ ક્વોલિટીવાળી વોડકા લોન્ચ કરશે. AB InBev બડવાઈઝર અને કોરોના બીયરનું વેચાણ કરનાર કંપની છે.
આર્યન ખાન પોતાના બિઝનેસની શરૂઆત પાર્ટનર બંટી સિંહ અને લેટી બ્લાગોઈવા સાથે કરી રહ્યો છે. ત્રણેય મળીને પાર્ટનરશિપમાં અલ્ટ્રા-પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડીયાવોલને લોન્ચ કરશે, જેનું ભારતમાં AB InBev દ્વારા વેચાણ અને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. આર્યન ખાને કહ્યું કે તેને લાગે છે કે તે યુવાનોની માનસિકતાને સમજે છે. ભારતમાં હાલમાં આવા પ્રીમિયમ બ્રાન્ડ્સ ઓછા છે, તેથી અહીં બિઝનેસ માટે ઘણો સ્કોપ છે.
આર્યન ખાને કહ્યું હતું કે આવતા વર્ષની શરૂઆતમાં બેવરેજ કંપની દ્વારા વ્હિસ્કી અને રમ જેવી બ્રાઉન સ્પિરિટ લોન્ચ કરવામાં આવશે. હાલમાં શરૂઆતમાં એક પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેને બ્રાઉન સ્પિરિટ માર્કેટમાં આગળ લઈ જવામાં આવશે.
પ્રીમિયમ પ્રોડક્ટ પણ થશે લોન્ચ
આર્યન ખાન અને તેના બિઝનેસ પાર્ટનર ભારતમાં ઘણી પ્રીમિયમ બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આમાં કપડાં અને એસેસરીઝનો પણ સમાવેશ થશે. આવતા વર્ષે સ્લેબ તેની વોડકા બ્રાન્ડને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાના માર્કેટમાં પણ લઈ જશે. આર્યન ખાન અને તેના બિઝનેસ પાર્ટનર્સ ક્લોઝ ફ્રેન્ડ છે. ત્રણેય વર્ષ 2018માં જર્મનીમાં મળ્યા હતા. તે સમયે ત્રણેયે ભારતમાં લક્ઝરી પ્રોડક્ટ્સ અને સર્વિસની શરૂઆત કરવા વિશે ચર્ચા કરી હતી. આર્યન ખાને કહ્યું કે આ એક મોટી તક છે અને બિઝનેસમાં તક સૌથી જરૂરી બાબત છે.