બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમલ આર ખાન ફરી ચર્ચામાં આવ્યાં છે. કેઆરકેએ શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. મહત્વનું છે કે, તે અવારનવાર કોઇને કોઇ એક્ટર પર પ્રહાર કરતા હોય છે. જેને લઇને તેને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ સાથે કેઆરકે વિવાદિત નિવેદનને કારણે જેલ પણ જઇ ચૂક્યાં છે.
આ વખતે કેઆરકેએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન ‘ને લઇ પ્રતિક્રિયા આપી છે. જે બાદ બબાલ મચી ગઇ છે. હકીકતમાં કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે, શાહરૂખ ખાને શારજાહમાં મીડિયા સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેની ફિલ્મ ‘પઠાન’ સુપરહિટ જશે. જેને લઇને કેઆરકેએ વચન આપ્યું છે કે, જો ફિલ્મ ‘પઠાન’ ફ્લોપ નહીં જાય તો હું હંમેશા માટે ફિલ્મોની સમીક્ષા કરવાનું છોડી દઇશ. જો શાહરૂખ ખાન ફિલ્મનું નામ બદલી દે તો આ ચેલેન્જનો કોઇ મતલબ નથી.
કેઆરકેએ આ ટ્વીટ બાદ તુરંત સુર બદલી નાંખ્યો હતો. કેઆરકેએ બીજા ટ્વીટમાં લખ્યું હતુ કે, હું શાહરૂખ ખાનની વાત સાથે સહમત છું, તેની ફિલ્મ ‘પઠાન’ પાકિસ્તાન અને વિદેશોમાં હિટ જશે.
આ સાથે કેઆરકેએ આમિર ખાન પર કટાક્ષ કરતા લખ્યું હતુ કે, હવે આમિર ખાન અન્ય એક્ટર્સ સાથે ફિલ્મ પ્રોડ્યૂસ કરવા ઇચ્છે છે. ત્યારે આમિર ભાઇ તમે તમારા ભાઇ ફૈઝલ અને ભાણેજ ઇમરાનને કેમ તમારી ફિલ્મમાં લેતા નથી. તેઓ તમારા પરિવારનો સભ્ય જ છે એટલે તેની મદદ કરો. જોકે અન્ય અભિનેતા પણ તમારી ફિલ્મ માટે તૈયાર થશે નહીં. કારણ કે કોઇ પાગલખાનામાં જવા માગશે નહીં.
કેઆરકેએ બોલિવૂડ સ્ટાર્સને સવાલ કરતા અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, હું બોલિવૂડના દરેક અભિનેતાઓને બસ એટલું જ પૂછવા માંગ છું કે, દરેક હિટ ફિલ્મ તમારા નામે જ્યારે ફ્લોપ ફિલ્મ નિર્દશકના નામે કેમ?