Shalini Divorce: આજકલ લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ ખુબ જ ટ્રેન્ડમાં છે. જો કે હવે તો ઘણા કપલ પ્રેગનેન્સી વખતે મેટરનિટી ફોટોશૂટ કરાવતા હોય છે. પરંતુ શું તમે એવુ સાંભળ્યું છે કે કોઇ ડિવોર્સ લીધા પછી ખુશીથી ફોટોશૂટ કરાવ્યું હોય? તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ શાલિની (Actress Shalini divorce photoshoot) તેમા અપવાદ છે. શાલિની હાલ તેના ડિવોર્સ બાદના યુનિક ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી છે.
શાલિની ભનોટે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં તે રેડ કલરના થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે અને ખુશીથી પોતાના લગ્નની તસવીરો ફાડી રહી છે. તેના આ ફોટોશૂટને મિક્સ પ્રતિસાદ મળ્યો છે. કેટલાકનું કહેવું છે કે, તેની આ હરકત સમાજને ગેરમાર્ગે દોરી શકે છે તો કેટલાકનું કહેવું છે કે, લગ્ન ખોટી વ્યક્તિ સાથે થાય તો ડિવોર્સ લેવા વાત તદ્દન ખોટી નથી.
શાલિનીએ ડિવોર્સ ફોટોશૂટની તસવીરો શેર કરતાં લખ્યું હતું ‘એક ડિવોર્સી મહિલાનો તે તમામ માટે મેસેજ જેઓ અવાજ ઉઠાવી શકતા નથી. ખરાબ લગ્નમાંથી છૂટવા ઠીક છે કારણ કે તમે ખુશીને હકદાર છો અને ક્યારેય સમજૂતી કરતાં નહીં. તમારા જીવનનો કંટ્રોલ તમારા હાથમાં રાખો અને તમારા તેમજ બાળકોના સારા ભવિષ્ય માટે જરૂરી તેવા ફેરફાર કરો. ડિવોર્સ એ નિષ્ફળતાની નિશાની નથી. તમારા જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટેનો ટર્નિંગ પોઈન્ટ છે. લગ્નના બંધનમાંથી છુટવા અને એકલા ઉભા રહેવા માટે હિંમત જોઈએ. તેથી, મારી તમામ બહાદુર મહિલાઓને આ સમર્પિત છે’. આ સિવાય એક તસવીરના કેપ્શનમાં લખ્યું હતું ‘ક્યારેય પણ હથિયાર નીચે મૂકશો નહીં કારણ કે સારી વસ્તુને સમય લાગે છે’.
ડિવોર્સના ફોટોશૂટને પોઝિટિવ પ્રતિક્રિયા આપનારા ફેન્સનો શાલિનીએ આભાર પણ માન્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું ‘મારા હાલના ફોટોશૂટમાં રસ દાખવવા માટે આભાર. હાલ હું કોઈ ઈન્ટરવ્યૂ માટે તૈયાર નથી. આ તસવીરો પબ્લિસિટી માટે નહોતા લેવામાં આવ્યા પરંતુ તે તમામ મહિલાઓ માટે એક મેસેજ હતો જેઓ સમાન સ્થિતિમાં હોઈ શકે છે. હું મારો અવાજ તેમના માટે ઉઠાવવા માગચી હતી જેઓ પોતાના માટે બોલી શકતા નથી. સમજવા માટે આભાર. હું તેમનો આભાર માનવા માગું છું જેમણે મારા ફોટોશૂટ અને તે પાછળના મેસેજને સપોર્ટ આપ્યો. કેટલાક લોકોએ આ વાતને વખોડી છે, પરંતુ તેઓ મેં જે સંઘર્ષ અને પડકારને સહન કર્યા છે તે તેઓ સમજી નહીં શકે. જે મહિલાઓ આ સ્થિતિનો અનુભવ કરી રહી છે તેમને હું મારી કહાણી થકી મદદ કરી શકું તેવી મારી આશા છે. ફરીથી આપ તમામનો સપોર્ટ માટે આભાર’.
આ પણ વાંચો: ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ વિવાદ : કેટલો સાચો છે આ ફિલ્મનો દાવો?
અભિનેત્રી શાલિનીએ ટીવી સીરિયલ ‘મુલ્લમ મલરામ’થી ઘરે ઘરે પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.