કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહેજાદા’એ ઓપનિંગ ડે માં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી, પરંતુ બીજા દિવસે સવાર સુધીમાં ફિલ્મનો ક્રેઝ એટલો જોવા મળ્યો નથી. કાર્તિક આર્યનની ફિલ્મ વીકેન્ડમાં ચાહકોને સિનેમાઘરો સુધી આકર્ષવામાં નિષ્ફળ રહી હોવાના સમાચાર પ્રકાશમા આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભુલ ભુલૈયાને બોક્સ ઓફિસ પર મળેલી અપાર સફળતાને પગલે શહેજાદા પાસેથી લોકોને ઘણી અપેક્ષા હતી, પણ તેમની એ અપેક્ષા પર પાણી ફરી ગયું છે.
બીજી બાજુ શાહરૂખ ખાનની પઠાણની વાત કરીએ તો રિલીઝના 25માં દિવસે પણ ‘પઠાણ’નું વર્ચસ્વ અને બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરવાનું અકબંધ છે. આ ફિલ્મ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં 900 કરોડના ક્લબમાં સામેલ થનારી પ્રથમ ફિલ્મ બની છે.
મહત્વનું છે કે, કાર્તિકની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ મહામારી અને બહિષ્કાર વચ્ચે પણ સફળ રહી હતી. આ ફિલ્મ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી. ‘શહેજાદા’ કાર્તિક આર્યનની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ છે. જે સુપરહિટ તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપ્રેમુલુની રિમેક છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની ધીમી શરૂઆત તેના માટે ચિંતાજનક બાબત છે.
હવે શહેજાદાના પ્રથમ દિવસની કમાણી અંગે વાત કરીએ તો ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, શહેઝાદાનું પ્રથમ દિવસનું કલેક્શન 6 કરોડ રૂપિયા નોંધાયું છે. આ આંકડો કાર્તિકની અગાઉની રિલીઝ ‘ભૂલ ભૂલૈયા 2’ કરતાં અડધા કરતાં પણ ઓછો છે. તે ફિલ્મે 14 કરોડ રૂપિયા સાથે ડબલ ડિજિટમાં ઓપનિંગ કર્યું હતું. જ્યારે શહેઝાદાનો વેપાર માત્ર 14.05% હતો.
બીજી તરફ પઠાણને લઈને તેણે કહ્યું કે, ફિલ્મની ગતિ મંદ પડવાનું નામ નથી લઇ રહ્યુ. તરણ આદર્શે ટ્વિટમાં લખ્યું, “પઠાણની ગતિ ધીમી નથી પડી રહી… #પઠાણની દીવસની વ્યૂહરચના સકારાત્મક પરિણામો લાવ્યા છે.” બે મોટી રિલીઝ હોવા છતાં #Shehzada, #AntManAndTheWasp, સપ્તાહ 4, શુક્રવારે 2.20 કરોડનો બિઝનેસ. કુલ: ₹ 490.35 કરોડ આજથી શો વધી ગયા છે.
‘શહેજાદા’ રોહિત ધવન દ્વારા બનાવવામાં આવી છે, જે ડેવિડ ધવનના પુત્ર અને વરુણ ધવનના ભાઈ છે. રોહિત ધવન સાથે કાર્તિકની આ પહેલી ફિલ્મ છે. જેમાં કાર્તિક આર્યન, કૃતિ સેનન, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત પ્રિતમે આપ્યું છે. કાર્તિક આર્યન સિવાય આ ફિલ્મને ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ, અમન ગિલ પ્રોડ્યુસ કરી રહ્યા છે.