Sikandar Teaser Release: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘સિકંદર’ને લઈને ચર્ચામાં છે. ‘સિકંદર’ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારથી એક્ટરની ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી પ્રશંસકોમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝની તેના ચાહકો રાહ જોઈ રહ્યા છે. સાથે જ મેકર્સ પણ ફિલ્મ સાથે જોડાયેલી દરેક નાની-મોટી અપડેટ ફેન્સ સાથે શેર કરતા રહે છે. ફર્સ્ટ લુક પોસ્ટર થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું.
થોડા દિવસો પહેલા જ ‘સિકંદર’ના નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મનું ટીઝર 27 ડિસેમ્બરે સલમાન ખાનના જન્મદિવસ પર રિલીઝ કરશે. પરંતુ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને મુલતવી રાખ્યું હતું. જે હવે 28 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે.
‘સિકંદર’ માં એક્શન અવતારમાં જોવા મળ્યો સલમાન ખાન
1 મિનિટ 41 સેકન્ડના આ ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાનની પહેલી એન્ટ્રી દમદાર છે. આ પછી તેમનો સંવાદ આવે છે જેમાં એવું સંભળાય છે કે ઘણા લોકો મારી પાછળ પડ્યા છે, બસ મારા મૂડવાની રાહ છે. આ બાદ એક્ટરનો એક્શન અવતાર જોવા મળે છે, જેને પ્રશંસકો ખૂબ પસંદ કરે છે.
‘સિકંદર’ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું નિર્દેશન એઆર મુરુગદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને સાજિદ નડિયાદવાલાએ નિર્માણ કર્યું છે. આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત હાલ કરવામાં આવી નથી, પરંતુ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થશે અને પ્રશંસકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના સલમાન ખાનની સાથે જોવા મળવાની છે અને આ પહેલીવાર હશે જ્યારે બંને સ્ટાર્સ કોઈ ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરશે.
આ પણ વાંચો – મનમોહન સિંહ પર બની હતી આ બોલિવૂડ ફિલ્મ, અનુપમ ખેરે ભજવ્યો હતો પૂર્વ વડાપ્રધાનનો રોલ
અગાઉ સલમાન ખાને સાજિદ નડિયાદવાલા સાથે ‘કિક’માં કામ કર્યું હતું અને હવે આ જોડી 10 વર્ષ બાદ ફરી સાથે જોવા મળવાની છે. આ પછી બંને ફિલ્મ’કિક 2’માં કામ કરશે. આ ફિલ્મમાં સલમાન ખાન, રશ્મિકા મંદાના, સત્યરાજ, પ્રતીક બબ્બર, કાજલ અગ્રવાલ અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે દિગ્દર્શક એ.આર.મુરુગદાસ આ પહેલા હિન્દીમાં આમિર ખાન સાથેની ‘ગજની’ અને અક્ષય કુમાર સાથેની ‘હોલીડે’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.





