ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સ્મૃતિના પિતા લગ્નના થોડા કલાકો પહેલા જ બીમાર પડી ગયા હતા. બંને રવિવાર (23 નવેમ્બર) ના રોજ લગ્ન કરવાના હતા, પરંતુ નવી તારીખ નક્કી કર્યા વિના લગ્ન રદ કરવામાં આવ્યા છે.
સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ જણાવ્યું હતું કે ક્રિકેટરના પિતા શ્રીનિવાસ મંધાનાને રવિવારે સવારે નાસ્તા દરમિયાન થોડી અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેમણે કહ્યું, “જોકે તેઓ થોડો સમય રાહ જોતા હતા, આશા હતી કે તેમની તબિયત સુધરી જશે, પરંતુ સમય જતાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. અમે કોઈ જોખમ ના લેવાનું નક્કી કર્યું. તેથી અમે એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને હોસ્પિટલમાં લઈ ગયા. તેઓ હાલમાં નિરીક્ષણ હેઠળ છે. સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે, તેથી તેઓ સ્વસ્થ ના થાય ત્યાં સુધી લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે”.
સ્મૃતિના પિતાને હાલમાં હોસ્પિટલમાં રહેવાની સલાહ
તુહિને વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટરોએ સ્મૃતિના પિતાને હાલ માટે હોસ્પિટલમાં દાખલ રહેવાની સલાહ આપી છે. સ્મૃતિના પિતાની તબિયત લથડી હતી જ્યારે બંને પરિવારો અને નજીકના મિત્રો કપલના લગ્નના કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. તેમની મહેંદી અને સંગીત સમારોહના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ 2019 થી ડેટિંગ કરી રહ્યા છે
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ 2019 થી ડેટિંગ કરી રહ્યા છે. જોકે તાજેતરમાં જ્યારે સ્મૃતિ અને તેના સાથી ખેલાડીઓએ ભારતને મહિલા વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત અપાવી ત્યારે તેમના સંબંધો હેડલાઇન્સમાં આવ્યા હતા. જીત પછી પલાશે ટ્રોફી સાથે સ્મૃતિનો ફોટો શેર કર્યો અને લખ્યું, “હિન્દુસ્તાનીઓ સૌથી આગળ છે.”
આ પણ વાંચો: ભારતીય હવામાન વિભાગમાં નોકરીની તક, ફટાફટ કરો આવેદન
લગ્ન લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા
પલાશ મુછલ અને સ્મૃતિ મંધાનાએ ઘણા સમય સુધી તેમના લગ્ન ગુપ્ત રાખ્યા હતા પરંતુ ઓક્ટોબરમાં જ્યારે તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે, પલાશે પુષ્ટિ આપી હતી કે સ્મૃતિ ટૂંક સમયમાં તેમના વતન, ઇન્દોરની પુત્રવધૂ બનશે. તાજેતરમાં સ્મૃતિએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે ખાસ રીતે પલાશ સાથે તેની સગાઈની પુષ્ટિ કરી હતી. તેણીએ રાજકુમાર હિરાનીની 2006 ની બ્લોકબસ્ટર કોમેડી ફિલ્મ લગે રહો મુન્ના ભાઈ ના લોકપ્રિય ગીત “સમજો હો હી ગયા” પર તેણીના સાથી ખેલાડીઓ સાથે ડાન્સ કરતી એક ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી, જેમાં સ્મૃતિએ તેણીની સગાઈની વીંટી બતાવી.





