Sonam kapoor Announces Second Pregnancy: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર ફરી એકવાર માતા બનવા જઇ રહી છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટા પોસ્ટ કરીને આ ખુશખબર આપી છે. મહિનાઓ સુધી ફેન્સ રાહ જોયા બાદ સોનમ કપૂરે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની યુનિક સ્ટાઇલમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. પ્રિન્સેસ ડાયનાની યાદ અપાવતા ગુલાબી રંગના સ્ટાઇલિશ આઉટફિટમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “મમ્મી”.
સોનમે ત્રણ વર્ષ પહેલા પ્રથમ પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. સોનમ તેના પતિ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા પછી ભારત અને યુકે વચ્ચે પોતાનો સમય વિતાવી રહી છે. ફેશન આઇકોન તરીકે ઓળખાતી અભિનેત્રીએ આ પ્રસંગ માટે પોતાનો યુનિક લુક પસંદ કર્યો છે. હોટ પિંક અને પેડેડ શોલ્ડર સાથેનો આ આઉટફિટ 80ના દાયકાની યાદ અપાવે છે. આ ડ્રેસ તેની બહેન રિયા કપૂરે ડિઝાઇન કરી છે.
અભિનેતા અનિલ કપૂર અને તેની પત્ની સુનિતાની પુત્રી સોનમ કપૂર છેલ્લા ઘણા સમયથી બોલીવુડ સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે 2023 ની ફિલ્મ ‘બ્લાઇન્ડ ‘માં દેખાઈ હતી. જો કે તે ફેશન જગતમાં એક્ટિવ છે અને તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
સોનમ કપૂરના પતિ આનંદ આહુજાની વાત કરીએ તો તે બિઝનેસમેન હરીશ આહુજાનો પુત્ર છે, જે દેશની સૌથી મોટી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની શાહી એક્સપોર્ટ્સના માલિક છે. તેઓ એક લોકપ્રિય ક્લોધિંગ બ્રાન્ડ ભાને અને ભારતની પ્રથમ મલ્ટિ બ્રાન્ડ સ્નીકર સ્ટોર વેગનોનવેજના પણ માલિક છે.
સોનમ કપૂરની બીજી વખતની પ્રેગ્નન્સીની અટકળો સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે તે કેટલીક ઇવેન્ટ્સમાં જોવા મળી હતી. તે આવતા વર્ષની શરૂઆતમાં તેના બીજા બાળકનું સ્વાગત કરે તેવી અપેક્ષા છે.





