બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમ પર મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં એક શો દરમિયાન હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ધટના ગઇકાલે 20 ફેબ્રુઆરીના રોજ પ્રકાશમાં આવી હતી. સંગીત ઇવેન્ટમાં સોનુ નિગમ અને તેની ટીમ સાથે ઝપાઝપી થઇ હતી. જેમાં સોનુ નિગમના મિત્ર રબ્બાની મુસ્તફા ખાનને વધુ ઈજાઓ થઇ છે. આ પછી સોનુ નિગમે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે સમગ્ર મામલા પર સોનુ નિગમની પ્રતિક્રિયા સામે આવી છે.
સોનુ નિગમની ANI સાથે વાત
સોનુ નિગમે તેની સાથે ઘટેલી ઘટના અંગે ANI સાથે વાત કરતા જણા્વ્યું કે, “હું કોન્સર્ટ પછી સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો તે સમયે એક વ્યક્તિ સ્વપ્નિલ પ્રકાશ ફતેરપેકરે મને પકડી લીધો હતો. ત્યારબાદ તેણે મને બચાવવા માટે આગળ આવેલા હરિ અને રબ્બાનીને ધક્કો માર્યો હતો. આ સમગ્ર પ્રકરણના પગલે મેં પોલીસ ફરિયાદ નોંધાવી. જેથી ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય તે બળજબરીપૂર્વક સેલ્ફી લેવા અને હાથાપાઇ કર્યા પહેલાં વિચારે. સોનુ નિગમ મુંબઈ પોલીસને મળ્યો હતો જેની તસવીરો પણ સામે આવી છે.
સમગ્ર મામલા પર પોલીસનું નિવેદન
સમગ્ર મામલા પર પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસના મતે, લાઇવ કોન્સર્ટ સમાપ્ત થયા બાદ જ્યારે સિંગર સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે આવી રહ્યા હતા તો એક વ્યક્તિએ તેમને પકડી લીધા. વાંધો ઉઠાવ્યા બાદ તેણે સોનુ નિગમ અને તેના બે સાથીઓને સીડી પરથી ધકેલી દીધા હતા. આરોપીનું નામ સ્વપ્નિલ ફટેરપેકર હોવાનું પોલીસે તેના નિવેદનમાં ખુલાસો કર્યો છે.
આરોપી સ્વપ્નિલ શિવસેનાના ધારાસભ્યનો પુત્ર
પ્રાપ્ત વિગત અનુસાર, સ્વપ્નિલ શિવસેનાના ધારાસભ્યનો પુત્ર છે. તેણે સોનુ નિગમ સાથે જબરદસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બોડીગાર્ડે તેને ના પાડી તો તેણે ગાર્ડને ધક્કો મારી દીધો. સાથે તેણે સોનુ નિગમને પણ ધક્કો માર્યો, પરંતુ બોડીગાર્ડે તેને પકડી લીધો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા, ત્યારબાદ સિંગર હોસ્પિટલ પહોંચ્યા. સિંગર આજે સવારે મુંબઈ પરત ફર્યો હતો અને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સિંગરે પાપારાઝીને કહ્યું કે બધું બરાબર છે.