/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/sonu-nigam-1200-1.jpg)
સોનુ નિગમ ફાઇલ તસવીર
બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમના પિતા અગમકુમાર નિગમના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર, અગમકુમારના ઘરેથી લગભગ 72 લાખ રૂપિયાની ચોરી થઇ છે. આ ચોરીનો આરોપ તેના પૂર્વ ડ્રાઇવર પર લાગ્યો છે. જેની ધરપકડ કરી લેવામાં આવી છે. સોનુની બહેન નિકિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી આ મામલો સામે આવ્યો છે. હવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
ડ્રાઈવરે 72 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ
એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું કે, સિંગર સોનુ નિગમના 76 વર્ષના પિતાના ઘરેથી તેમના પૂર્વ ડ્રાઈવરે કથિત રીતે 72 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. સિંગરના પિતા અગમકુમાર નિગમ મુંબઈના અંધેરી વેસ્ટના ઓશિવારામાં વિન્ડસર ગ્રાન્ડ બિલ્ડિંગમાં રહે છે અને કથિત ચોરી 19 માર્ચથી 20 માર્ચની વચ્ચે થઈ હતી.
સોનુ નિગમની નાની બહેને નોંધાવી ફરિયાદ
સોનુ નિગમની નાની બહેન નિકિતા ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે રેહાન નામની વ્યક્તિ લગભગ 8 મહિનાથી અગમકુમાર નિગમના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, પરંતુ તેનું કામ સંતોષજનક ન હતું. જેને પગલે તેને તાજેતરમાં જ છૂટો કરાયો હતો.
ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગુમ
મીડિયા રિપોર્ટ્સ મુજબ અગમ કુમાર નિગમ રવિવારે વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે લંચ પર ગયા હતા. તે જ દિવસે સાંજે તેમણે પોતાની દીકરીને ફોન પર જણાવ્યું હતું કે, લાકડાના કબાટમાં રાખેલા ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગુમ છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીનો ખુલાસો! અનુષ્કા શર્માને ડેટિંગ પહેલા કર્યો હતો અજીબ મેસેજ
CCTV ફુટેજની તપાસમાં ખુલાસો
બીજા દિવસે અગમકુમાર નિગમ વિઝા સંબંધી કોઈ કામથી પોતાના દીકરાના ઘર 7 બંગલોમાં ગયા અને સાંજે ત્યાંથીએ પરત ફર્યા હતા. અધિકારીએ કહ્યું કે, એ વખતે લોકરમાંથી વધુ 32 લાખ રૂપિયા ગુમ હતા અને લોકર ડેમેજ પણ નહોંતું થયું. તે પછી તેમણે નિકિતાએ તેમની સોસાયટીના CCTV ફુટેજની તપાસ કરી, જેમાં પૂર્વ ડ્રાઈવર રેહાન બંને દિવસે બેગ લઈને ફ્લેટની અંદર જતો દેખાયો હતો. ફરિયાદ મુજબ, અગમકુમારને શંકા છે કે, રેહાન ડુપ્લીકેટ ચાવીની મદદથી તેમના ફ્લેટમાં ઘૂસ્યો અને બેડરૂમમાં રહેલા ડિજિટલ લોકરમાંથી 72 લાખ રૂપિયા લઇ લીધા. જણાવાઈ રહ્યું છે કે, ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/ls-ieg-Rakul-Preet-Singh-Denim-Look.jpg)