ધ્રુવનના નામથી ઓળખાતા કન્નડ ફિલ્મ અભિનેતા સૂરજ કુમાર વિશે એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ તેનો અકસ્માત થતા તેનો એક પગ કાપવો પડ્યો હોવાનો શોકિંગ અહેવાલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ સૂરજ કુમારના ચાહકો ખુબ જ દુ:ખી છે. રિપોર્ટ અનુસાર, 24 જૂનના રોજ તે મૈસુરથી બાઇક પર ઉટી જવા નીકળ્યો હતો. ત્યાં તેને મૈસુર-ગુંડલુપર હાઈવે પર અકસ્માત નડ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હાઈવે પર એક ટ્રેક્ટરને ઓવરટેક કરી રહ્યો હતો ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને આગળ ગયો અને તેની બાઇક એક લારી સાથે અથડાઈ. ત્યારબાદ અભિનેતાને મૈસુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં અભિનેતાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક મૈસુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સૂરજનો એક પગ કાપવો પડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, એકટરને જમણા પગમાં ગંભીર ઈજા થઈ છે. જીવ બચાવવા માટે, ડૉક્ટર પાસે સૂરજનો પગ કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી ડોક્ટરે તેનો જમણો પગ ઘૂંટણની નીચે કાપી નાખ્યો.
તમને જણાવી દઈએ કે, સૂરજ માત્ર 24 વર્ષનો છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત થોડા વર્ષો પહેલા જ કરી હતી. વર્ષ 2019માં તેને ડિરેક્ટર રઘુ કોવીની ફિલ્મથી લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક કારણોસર તેની ફિલ્મ ચાલી ન હતી. તે ટૂંક સમયમાં ભગવાન શ્રી પરમાત્મા ફિલ્મમાં જોવા મળવાનો હતો. આ સિવાય તેઓ અન્ય પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા હતા. જો કે, તે પહેલા તેની સાથે એક ભયંકર અકસ્માત થયો અને તેણે એક પગ ગુમાવવો પડ્યો. ત્યારે હવે આગળ શું નિર્ણય લેવામાં આવે તેને લઈ ચાહકોને પણ રાહ જોવી પડશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં સૂરજ કુમાર ‘રથમ’ નામની ફિલ્મ અને પ્રિયા પ્રકાશ વરિયર સાથે અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. પરંતુ આ વચ્ચે તે આ ભયાનક અકસ્માતનો શિકાર બન્યો છે.





