સાઉથ મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની તબિયતને લઇ હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. સામંથા રૂથ પ્રભુની તબિયતને લઇ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રીને માયોસાઇટિસ બીમારીને કારણે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જેને લઇને સામંથાના મેનેજરે જણાવ્યું છે કે, અભિનેત્રી પૂરી રીતે સ્વસ્થ અને ફિટ છે.
જોકે 23 નવેમ્બરના રોજ મીડિયા રિપોર્ટસના દાવા અનુસાર, સામંથી રૂથ પ્રભુની તબિયત વધુ ખરાબ થતાં તેને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
સામન્થાના મેનેજરે ઇનકાર
indianexpress.com સાથે વાત કરતા સામંથા રૂથ પ્રભુના મેનેજર મહેન્દ્રએ કહ્યું, ‘સામંથા તેમના ઘરે છે, તે ખુશ અને સ્વસ્થ છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારમાં કોઈ સત્યતા નથી અને તે સંપૂર્ણ અફવા છે. મહત્વનું છે કે ગયા મહિને (29 ઓક્ટોબર) સામંથાએ પોતે જણાવ્યું હતું કે તેને માયોસાઇટિસ નામની બીમારી છે, જેની સારવાર ચાલી રહી છે.
સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે, ‘થોડા મહિના પહેલા મને માયોસાઇટિસ હોવાનું નિદાનમાં બહાર આવ્યું હતું. આ એક ઓટોઇમ્યૂન બીમારી છે.મેં આ વિશે કહેવામાં થોડું મોડું કરી દીધું છે. હું અત્યારે આ બીમારી સામે લડી રહ્યી છું. પરંતુ ડોકટરોને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં હું આ બીમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. મેં પહેલા સારા દિવસો અને ખરાબ દિવસો જોયા છે. ઘણી વાર એવો અહેસાસ થયો છે કે હવે હું એક દિવસ પણ ચાલી નહીં શકું, પણ આ દિવસો પણ પસાર થઇ ગયા. હું જલ્દી સ્વસ્થ થઈ અને તમારી સમક્ષ હાજર થઇશ.
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘યશોદા’માં મહત્વની ભૂમિકામાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય બદલ ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ખાસ કરીને આ ફિલ્મમાં સામંથાના એક્શન સીનના ભરપૂર વખાણ કરવામાં આવ્યાં હતા. ત્યારે હવે સામંથા રૂથ પ્રભુ આગામી ફિલ્મ શાકુંતલમમાં (Shaakuntalam) નજર આવશે.