સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. તાજેતરમાં અભિનેતાએ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી એક કાર્યક્રમમાં બાગ લીધો હતો. જેમાં તેણે અંગદાન વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. ભૂતકાળમાં આ પ્રકારની અનેક કલ્યાણકારી પ્રવૃતિઓનો ભાગ બની ચૂકેલા દેવરકોંડાએ એક મોટું વચન આપ્યું છે.
વિજય દેવરકોંડાએ આ કાર્યક્રમ અંતર્ગત પોતાનું અંગદાન કરવાનું વચન આપ્યું છે. આ સાથે વિજય દેવરકોંડાએ જણાવ્યું હતું કે, ડોક્ટરે મને કહ્યું કે ઘણી બધી સર્જરી માત્ર દાતાના કારણે જ થાય છે. એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ઘણા લોકો અન્ય લોકો માટે દાન કરી રહ્યા છે. જે એક સુંદર વસ્તુ કહેવાય. આ ઉપરાંત ડોક્ટરોનું કહેવું છે કે દક્ષિણ એશિયાના દેશોમાં અહીંની તુલનાએ અંગદાન ઓછું છે.
અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે હું મારા તમામ અંગો દાન કરી દઇશ. કારણ કે મને ગમશે કે મારા મર્યા બાદ મારા અંગો કોઇને નવી જીંદગી આપશે. તેમજ મને નથી લાગતુ કે અંગોને બેકાર કરવાથી કોઇ ફાયદો છે. હું ફિટ રહું છું અને પોતાની જાતને સ્વસ્થ રાખું છું. આ સાથે અભિનેતાએ કહ્યું હતું કે, મેં અને મારા મ્મમીએ અંગદાન માટે નોંધણી કરાવી લીધી છે. આ એક અત્યંત સુંદર વાત છે કે તમે તમારી ઉદારતાના કારણે કોઇ ન કોઇ રૂપમાં જીવિત રહો છો. ત્યારે આપ સૌને અંગદાન કરવા અંગે વિચાર કરવા માટે અનુરોધ કરું છું.
વિજય દેવરકોંડાની આ ઉદાર વિચાર બદલ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેમના પ્રશંસકો તેમના આ વિચાર જાણી તેમને પ્રેરણા માની રહ્યા છે. ટ્વિટર પર તેનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેના પર યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે કહ્યું હતુ કે, વિજય દેવરકોંડાનું દિલદાર છે. ‘અંગદાન કરવું તોઇ નાની વાત નથી ભાઇ’.
વિજય દેવરકોંડા ક્યારેક તેની ફિલ્મોને લઇને તો ક્યારેક તેના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. અભિનેતા છેલ્લે ફિલ્મ ‘લાઇગર’માં નજર આવ્યો હતો. ત્યારે હવે વિજય દેવરકોંડા સામંથા રૂથ પ્રભુ સાથે નિર્દેશક શિવ નારાયણની આગામી ફિલ્મમાં નજર આવશે.