Sushant Singh Rajput Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મોતનું કારણ આત્મહત્યા ગણાવવામાં આવ્યું હતું. જોકે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારમાંથી એક કૂપર હોસ્પિટલના કર્મચારી રુપ કુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા નહીં પણ તેની હત્યા કરવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બૂલેટ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોતને બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે. પરંતુ એક્ટરના મોતનો ભેદ હજુ ઉકેલાયો નથી. તાજેતરમાં રીયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
એક્ટ્રેસ રીયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ‘આપ આગ સે ગુજરે હૈ, બાઢ સે બચે હૈ તેમજ રાક્ષસો પર જીત હાંસિલ કરી છે, આગળ જ્યારે તમે તમારી શક્તિ પર શક કરો તો આને યાદ રાખજો’.
મહત્વનું છે કે, સુશાંત સિંહના પિતાએ તેના પુત્રના મોતનો આરોપ રીયા ચક્રવર્તી પર લગાવ્યો હતો. સુશાંતના પિતાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, એક્ટ્રેસે મારા પુત્ર સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. રીયા ચક્રવર્તીને આ મામલે જેલ પણ થઇ હતી.
આ મામલે બિહારના પૂર્વ પોલિસ DG ગુપ્તેશ્વર પંડ્યાએ ANIને કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર બદલવાથી આશા છે કે, હવે સત્ય સામે આવી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, બિહારથી મોકલેલી અધિકારીઓની ટીમ સાથે મુંબઇ પોલીસે ખરાબ વર્તન કર્યું હતું, તેઓ કંઇ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમજ તેમણે IPS અધિકારીને એક ઘરમાં નજરકેદ કરી લીધા હતા.
આ ઉપરાંત ગુપ્તેશ્વર પંડ્યાએ દાવો કર્યો હતો કે, આ મામલે તપાસ કરવા માટે મારી ટીમ પાસે સમયનો અભાવ હતો. તેમને પૂરતો સમય ન આપ્યો હતો. જો અમને 15 દિવસનો સમય આપ્યો હોત તો તથ્ય સામે ચોક્કસથી સામે આવી ગયું હોત.