80ના દાયકાની બોલિવૂડની સફળ અભિનેત્રી અને હાલમાં ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપત્તિ અનિલ અંબાણીની પત્ની ટીના મુનિમ અંબાણીનો આજે 11 જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. તે આમ તો મુંબઈમાં રહેતા એક સારા ગુજરાતી પરિવારમાં જન્મી હતી.
પરિવારમાં તેના નવ ભાઈઓ અને બહેનોમાં ટીના સૌથી નાની હતી. ત્યારબાદ તેનો પરિવાર બાંગ્લાદેશના ઢાકામાં રહેતો હતો. તેની ટીનએજમાં તે આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને મિસ ફોટોજેનિક અને મિસ બિકીનીનો ખિતાબ જીતી હતી.
17 વર્ષની ઉંમરે તો તેણે દેવઆનંદ સાથે ફિલ્મોમાં પર્દાપણ કરી દીધું હતું. અને ઘણી સફળ ફિલ્મોનો તે હિસ્સો બની ચૂકી છે. બોલિવૂ઼ડની સફળ કારકીર્દિ છોડીને તે કેલિફોર્નિયામાં ગ્રેજ્યુએશન કરવા પહોંચી ગઈ. એ સમયે તે રાજેશ ખન્ના સાથે ઘણા નિકટના સંબંધો ધરાવતી હતી. એ પહેલા તે વર્ષ 1980ના સમયમાં સંજય દત્ત સાથે પણ તેના સંબંધો હતા. વર્ષ 1991માં તે પાછી આવી અને અનિલ અંબાણી સાથે પરણી ગઈ અને અનમોલ અને અંશુલ નામના બે બાળકોની માતા પણ છે. હાલમાં તે લંડનમાં સ્થિત છે અને અનેક ચેરિટી કાર્યોમાં વ્યસ્ત રહે છે.
આજે આપણે વાત કરવાના છીએ ટીના અંબાણી અને તેના પરિવારની. ફિલ્મ ઉદ્યોગના બે નામી કલાકારો સાથે સંબંધો રાખ્યા બાદ અનિલ અને ટીના વચ્ચેના પ્રણય સંબંધો મિલ્સ એન્ડ બુનનાં રોમાન્સ જેવા હતાં જેમાં તે બન્ને જેટલો જ રસ દેશના અન્ય લોકોને પણ હતો.
ટીના અને અનિલની મિત્રતા પછી તેઓ એકબીજા સાથે લગભગ 3-4 વર્ષ સુધી બોલ્યા નહોતાં. તે બન્ને અલગ અલગ દેશમાં પોતાની કારકીર્દિ ઘડી રહ્યા હતાં. પણ તેઓના દિલની વાત લોકો સમક્ષ આવી જ ગઈ જ્યારે તેમની સગાઈના સમાચાર દેશ આખામાં ફેલાઈ ગયાં.
ટીના અનિલને સિંહ જેવા માને છે. અનિલના વ્યસ્ત કામકાજના કલાકો છતાંય તે ક્યારેય તેમની લગ્નની તારીખ નથી ભૂલતા. અનિલ ટીનાનાં સામજસેવાના કાર્યો માટે સતત પ્રોત્સાહન આપે છે અને તેમના બાળકોની પ્રવૃતિ પાછળ પણ ધ્યાન આપે છે. તે બન્ને એકબીજાને બરાબર નહીં પણ એકબીજાના પૂરક માને છે.
બાળકો: એક બિલિયોનેર બિઝનેસમેનની પત્ની હોવા છતાં ટીનામાં હજી પણ એ જ મિડલ ક્લાસ વુમનની છબી જોવા મળે છે. તેના બાળકો અનમોલ અને અંશુલ કેટલા રમકડાં ખરીદે છે તેનુ ધ્યાન રાખે છે, દરરોજ રસોડામાં શું ચાલે છે તેના પર નજર રાખે છે.
તે સુંદરતા કરતાં સ્વાસ્થ્યને વધારે મહત્વ આપે છે. હાલમાં તે ભલે લંડનમાં સ્થિત હોય પણ બાળકો સાથે સામાન્ય જીવન જીવે છે. શુક્રવાર તેના બાળકોનો દિવસ હોય છે. તેના બાળકોને તે પોતાના આલિંગનમાં લેવાનું બહુ જ પસંદ કરે છે.
તેના પરિવારના લોકો તેના મિત્રો સમાન છે. હાલમાં પોતાની બિનસરકારી સંસ્થા હાર્મની દ્વારા સમાજસેવાના અનેક કાર્યો કરે છે.
1991માં જ્યારે ટીના અંબાણી 31 વર્ષનાં થયાં ત્યારે તેમણે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. હાલ ટીના અંબાંણી મુંબઇમાં આવેલી કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલનાં ચેરપર્સન છે. સાથે જ તેઓ અનેક સામાજિક કાર્યોમાં રસ ધરાવે છે. ટીના-અનિલના બે દીકરા છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.
ટીના અંબાણી ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કરે છે. 2015માં ઇન્ડિયા ટુડે સાથે થયેલી વાતચીતમાં ટીના અંબાણીએ પોતાને વર્કિંગ મધર તરીકે ઓળખાવ્યાં હતાં. તેમણે કહ્યું કે તેઓ પહેલા એવા ક્ષેત્રમાં કામ કરતાં હતાં જેમાં ગ્લેમરસ દેખાવું એ જરૂરી હતી. હવે તેઓ જે કામ કરે છે, તે ભલે હૉસ્પિટલ માટે હોય કે કોઇ ફાઉન્ડેશન માટે, તેમાં ગ્લેમરની જરૂર નથી. બધી જ ધારણાની વાતો છે.