/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/tmkoc-sodhi-gurucharan-singh.jpg)
Gurucharan Singh In TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ગુરુચરણ સિંહે ભજવ્યું છે. (Photo: @sodhi_gcs)
TMKOC Gurucharan Singh Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવનાર ગુરચરણ સિંહ ઘણા લોકપ્રિય થયા છે. આ ટીવી સિરિયલમાં સોઢીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. જો કે 22 એપ્રિલના રોજ તેના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ગુરચરણ સિંહ 25 દિવસથી લાપતા હતા. આ દરમિયાન પરિવાર ખૂબ જ પરેશાન થઇ ગયો હતો. પરંતુ બાદમાં તે સુરક્ષિત પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં લોકોએ તેના પર આરોપ લગાવ્યો કે આ બધો પબ્લિસિટી સ્ટંટ છે. પરંતુ, હવે આ મામલે ટીવી કલાકારે પોતાના ગાયબ થવા પર મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે અને ફરીથી કામ કરવા માંગે છે.
હકીકતમાં, ગુરુચરણ સિંહે તાજેતરમાં બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારી પછી ઘણી બાબતોએ તેમને અસર કરી છે. તે મુંબઈ છોડીને 2020માં પિતા સાથે રહેવા ગયા હતા. આ દરમિયાન તેના પિતાની સર્જરી પણ ચાલી રહી હતી. ત્યાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેમાં સફળ થયા નહીં. ગુરચરણ સિંહ ઉર્ફે સોઢીએ બિઝનેસની નિષ્ફળતા અંગે વધુમાં જણાવ્યું હતું કે કાં તો કામ બરાબર થયું ન હતું અથવા તો જે લોકો સાથે કામ શરૂ કર્યું હતું તે લોકો ગાયબ થઈ ગયા હતા. તેમને દગો આપ્યો. તેમણે જણાવ્યું હતું કે તેમની વચ્ચે વર્ષોથી સંપત્તિના વિવાદો પણ ચાલતા હતા. તેમા તેમના ઘણા પૈસા પણ ખર્ચ થયા છે.
25 દિવસ સુધી સંન્યાસી રહ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સોઢીનું કહેવું છે કે આ બધાના કારણે તેમની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી છે અને તેઓ પરેશાન થઇ ગયા છે. માતાપિતાના અસરના લીધે તે હંમેશાં આધ્યાત્મિક રહ્યા છે. જ્યારે તેઓ હતાશા અનુભવતા હતા, ત્યારે તેઓ ભગવાન તરફ ફંટાયા અને તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી. તેમણે કહ્યું કે તે 25 દિવસ સુધી સંન્યાસીના રસ્તે ચાલ્યા હતા. પાછા આવવાની તેની કોઈ યોજના નહોતી.
તેઓ માને છે કે તેઓ ભગવાનના સંકેત પછી જ પાછા આવ્યા છે. સાથે જ કેટલાક લોકોએ તેની ગાયબ થવાને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો, આ અંગે એક્ટરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ઘરે આવ્યા બાદ પણ તેમણે કોઇ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. પરંતુ હવે તે એટલા માટે બોલી રહ્યો છે કારણ કે તે તેના વિશે લોકો જે કહી રહ્યા છે તેમાંથી અમુક વાતને સ્પષ્ટ કરવા માંગે છે.
સોઢી લગ્ન કરવા માંગે છે
ગુરચરણ સિંહે પોતાની આર્થિક સ્થિતિ વિશે આગળ કહ્યું કે, તે તમામ લોન અને દેવું ચૂકવવા માટે ઘણું કામ કરવા માંગે છે, પરંતુ તેની પાસે અત્યારે કોઈ કામ નથી. તેઓ ફરીથી કામ કરવા માંગે છે અને તેમના જીવનને ખુશહાલ બનાવવા માંગે છે. એટલું જ નહીં, અભિનેતાએ કહ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે. તેઓ ટૂંક સમયમાં જ સેટલ થવાનું વિચારી રહ્યા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us