વર્ષ 2022 પૂર્ણ થવાને આરે છે. આ વર્ષ લોકોને કાયમ માટે યાદ રહી જાય તેવા અનેક કારણો છે. વર્ષ 2022માં મનોરંજન જગતની મહાન હસ્તીઓએ દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે આવો ફરી તેમને યાદ કરીએ.
1 લતા મંગેશકર: સ્વરકોકિલા લતા મંગેશકરનું 92 વર્ષની વયે 6 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. લતા મંગેશકરે તેના જીવનકાળમાં 30,000થી વધુ ગીતો પોતાના મધુર સ્વરે ગાયા હતા. આ સ્વરૂપે તેઓ હંમેશા લોકોના દિલોમાં અમર રહેશે.
ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે ‘અજીબ દાસ્તાં હૈ યે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘નીલા આસમાન સો ગયા’ અને ‘તેરે લિયે’ જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

2 કેકે: બોલિવૂડના દિગ્ગજ મ્યૂઝિક કંપોઝર અને સિંગર કેકેનું આકસ્મિક નિધન થતા ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. 31 મેં 2022ના રોજ કોલકાતામાં એક પર્ફોમન્સ દરમિયાન 53 વર્ષની વયે કેકેનું નિઘન થયું હતું. ‘પ્યાર કે પલ’ અને ‘યારો દોસ્તી’ જેવા યાદગાર ગીતો ગાઇ કેકે હંમેશા લોકોના દિલમાં રહેશે.

3 બપ્પી લાહિરી: બપ્પી લાહિરી પણ 16 ફેબ્રુઆરી 2022ના રોજ અવસાન પામ્યા હતા. તેઓ ઓબ્સટ્રક્ટિવ સ્લીપ અપનિયા નામની બીમારીથી પીડાતા હતા. બપ્પી દા વિશ્વભરમાં ‘ડિસ્કો કિંગ’ અને સોનાના ઘરેણા પહેરવાને લઇ ઓળખ ધરાવતા હતા. બપ્પી દાએ 80 અને 90ના દાયકામાં બ્લોકબાસ્ટર ગીતો ગાયા છે. જેમાં ‘ઉ લાલા’, ‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’, ‘તમ્મા-તમ્મા’ વગેરે જેવા હિટ ગીતોનો સમાવેશ થાય છે.

4 રાજુ શ્રીવાસ્તવ: સ્ટેન્ડ અપ કોમેડિયનના બાદશાહ રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. મહત્વનું છે કે, વર્ષ 1963માં કાનપુરમાં કવિ રમેશ શ્રીવાસ્તવ ઉર્ફે બલઈ કાકાને ત્યાં જન્મેલાં રાજુ શ્રીવાસ્તવને બાળપણથી જ ફિલ્મી સિતારાઓની મિમિક્રી કરવાનો શોખ હતો. કૉમેડીની દુનિયામાં કદાચ તેમને સૌથી વધુ નામના અમિતાભ બચ્ચનની મિમિક્રી કરીને જ મળી હતી. જોકે, તેમણે કૉમેડી કરવાનું એવા સમયે શરૂ કર્યું હતું જ્યારે યૂટ્યૂબ, ટીવી, સીડી અને ડીવીડી ચલણમાં નહોતી. તેમનું પહેલું કૉમેડી સ્કૅચ ‘હસના મના હૈ’ પણ એક ઑડિયો કૅસેટ સ્વરૂપે સામે આવી હતી.

5 પરાગ કંસારા: રાજુ શ્રીવાસ્તવ બાદ ગુજરાતી કોમેડિયન પરાગ કંસારાનું 6 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પરાગ કંસારાએ દેશના 6ઠ્ઠા શ્રેષ્ઠ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે નામની મેળવી હતી. પરાગ કંસારાને ભગવાને લોકોને હસાવવાનું વરદાન આપ્યું હતું.

પરાગ કંસારાને સ્કૂલ કાળથી જ નાટક અને કોમેડીનો ભારે શોખ હતો. જેને પગલે તેઓ બાળપણથી તેના ટેલેન્ટને વધારી રહ્યાં હતા.