ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. ફેમસ ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રિપોર્ટસ પ્રમાણે, વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. વૈશાલી ઠક્કરના મોતના સમાચાર મળતા જ પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલ ખસેડયો છે.
વૈશાલી ઠક્કર ઇંદોરના સાઇ બાગ સ્થિત ઘરમાં લગભગ 1 વર્ષથી રહેતી હતી. આ જ ઘરમાં પોલીસને વૈશાલીનો મૃતદેહ પંખે લટકેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાંરભિક તપાસમાં પોલીસે લવ અફેયરને કારણે વૈશાલીએ સુસાઇડ કર્યું હોવાનું અનુમાન લગાવ્યું છે. પોલીસે આ એંગલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વૈશાલી ઠક્કરએ સ્ટાર પ્લસની પોપ્યુલર સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં સંજનાનું પાત્ર નિભાવ્યું હતું. ત્યારબાદ તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ શો બાદ તેણે ‘યે વાદા રહા’, ‘યે હૈ આશિકી’, ‘સસુરાલ સિમર કા’, ‘સુપર સિસ્ટર’, ‘લાલ ઇશ્ક સહિત ‘વિષ’ તેમજ ‘અમૃત’માં કામ કરી ચૂકી છે.
વૈશાલી ઠક્કરને ‘સસુરાલ સિમર કા 2’માં અંજલિ ભારદ્વાજનું પાત્ર ભજવવા માટે બેસ્ટ એક્ટ્રેસ અને નેગેટિવ રોલનો ‘ગોલ્ડન પેટલ એવોર્ડ’ એનાયાત કરવામાં આવ્યો હતો. છેલ્લે વૈશાલી ઠક્કર વર્ષ 2019માં મનમોહિનીમાં નજર આવી હતી. ટીવી સિવાય વૈશાલી ઠક્કરએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વૈશાલી મૂળ ઉજૈનના મહિદપુરની રહેવાસી છે.