Amreli Viral Video: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામમાં સિંહોના ટોળા ના હોય તે કહેવત ફરી ખોટી પુરવાર સાબિત થઈ છે. જાફરાબાદના મોટા માણસા ગામે સિંહો અને સિંહણનું ટોળું ઘૂસ્યું હતું. જેનો વીડિયો એક રાહદારીએ ઉતાર્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
રસ્તા પર સાવજો દેખાવા તે અમરેલી જિલ્લામાં જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે વરસાદી વાતવરણ વચ્ચે ફરી એકવાર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અમરેલીના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામમાં એક સાથે 11 જેટલા સાવજનું ગ્રુપ શિકારની શોધમાં બહાર આવ્યું હતું. રસ્તા પર જ્યારે લોકોએ આ સાવજોના સમૂહને એક સાથે જોયા ત્યારે લોકો પણ નવાઈ પામી ગયા હતા.
શિકારની શોધમાં સાવજ પરિવાર
આ વીડિયો મોટા માણસા ગામનો છે, કે જ્યાં સાવજ પરિવાર એકસાથે જોવા મળ્યું હતું. જેમાં રસ્તા પર જાહેરમાં સાવજો આરામથી ચાલતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે એક કે બે સિંહ તો રસ્તા પર અહીંયા દેખાતા જ હોય છે. પરંતુ એક સાથે 11 સિંહ દેખાવા જેવું દ્રશ્ય ભાગ્યે જ અહીંયા જોવા મળે છે. આ સાવજો શિકારની શોધમાં રસ્તા પર આવી ચડ્યા અને દોડતા જોવા નજરે પડ્યા હતા.