Girls Missing Shelter Home in MP : જ્યારથી ભોપાલના બાલિકા ગૃહમાંથી 26 છોકરીઓના ગુમ થવાના સમાચાર આવ્યા ત્યારથી સમગ્ર વહીવટીતંત્ર હચમચી ગયું હતું. પોલીસ વિભાગમાં પણ રાજકીય ખળભળાટ મચી ગયો હતો અને થોડી જ વારમાં મામલો ઘણો મોટો બની ગયો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલામાં જે 26 છોકરીઓ ગુમ થઈ હતી તેમાંથી 12 તેમના જ ઘરેથી મળી આવી છે. પોલીસ બાકીની યુવતીઓને પણ શોધી રહી છે. પરંતુ મામલાની ગંભીરતા સમજીને બે અધિકારીઓને સજા કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, બેદરકારી બદલ સીડીપીઓ બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ અને સીડીપીઓ કોમલ ઉપાધ્યાયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો વધુ બે અધિકારીઓને કારણ બતાવો નોટિસ પણ ફટકારવામાં આવી છે. હવે આ સમગ્ર મામલામાં સૌથી મોટી બેદરકારી એ છે કે, આ ચિલ્ડ્રન હોમ પોતાનો રેકોર્ડ જાળવતું ન હતું. છોકરીઓને બચાવીને પરત લાવવામાં આવી રહી હતી, પરંતુ CWC ને તેના વિશે કોઈ માહિતી નહોતી. નવાઈની વાત એ હતી કે, કેટલીક છોકરીઓના ચિલ્ડ્રન હોમમાં માત્ર ફોર્મ મળી આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં હાજર નહોતા.
નેશનલ ચિલ્ડ્રન્સ કમિશન પણ આ મામલે સક્રિય બન્યું છે. રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ મધ્યપ્રદેશના મુખ્ય સચિવ વીરા રાણાને પણ પત્ર લખ્યો છે. આ ગર્લ્સ હોમ ભોપાલના પરવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું હતું અને તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, જ્યાંથી છોકરીઓ ગુમ થઈ છે તે ગર્લ્સ હોમનું નામ આંચલ ગર્લ્સ હોસ્ટેલ છે. પ્રિયંક કાનુનગોએ અચાનક હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને જ્યારે તેણે રજીસ્ટર તપાસ્યું તો ત્યાં 68 છોકરીઓની એન્ટ્રી હતી પરંતુ તેમાંથી 26 ગાયબ હતી. આ અંગે તેમણે ચિલ્ડ્રન હોમના ડાયરેક્ટર અનિલ મેથ્યુ સાથે વાત કરી પરંતુ તેમણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.
શિવરાજસિંહ ચૌહાણે કાર્યવાહીની માંગ કરી હતી
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટર પર કહ્યું કે, ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વગર ચાલી રહેલા બાલાગૃહમાંથી 26 બાળાઓ ગાયબ થવાના મામલો મારા ધ્યાને આવ્યો છે. આ મામલાની ગંભીરતા જોતા સરકારે તુરંત તેની તપાસ અને કાર્યવાહી તરફ આદેશ કર્યો છે.”





