Bharuch car Accident : ભરૂચમાં સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત બન્યો હતો. ભરૂચના જંબુસર-આમોદ રોડ ઉપર ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળકો સહિત છ લોકોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કામગીરી કરી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે,કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મહિલા, બાળકો સહિત છના મોત
ભરૂચના જબુસર- આમોદ હાઈવે ઉપર ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 10 પૈકી છના મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં બે મહિલાઓ, બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થાય છે. અને અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને જબુંસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.





