અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરમાં વધુ એક હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને શહેરના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અર્બન ખીચડીની દાળમાં મૃત વંદો ગ્રાહકને પીરસવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં રહેતા અને ગુજરાતી ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોનીએ ‘અર્બન ખીચડી’ નામની હોટેલમાંથી દાળ તડકા અને ઝીરા રાઈસ સહિત ભોજન મંગાવ્યું હતું. જેમાંથી તેમણે એક ડિશ ખાઈ લીધી હતી પરંતુ અન્ય દાળ તડકાનું બોક્ષ ખોલતા જ તેઓ ડરી ગયા હતા. કારણ કે તેમણે જે દાળ તડકાનું બોક્ષ ખોલ્યું હતું, તેમાંથી મૃત વંદો નિકળ્યો હતો. જે બાદ તેઓએ તાત્કાલિક અર્બન ખીચડીના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે બનેલી ઘટના વિશે વિગતો આપી હતી. જોકે અર્બન ખીચડીના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી અવની સોનીએ પોતાની સાથે બનેલી આ વિચિત્ર ઘટના સોશિયલ મીડિયામાં શેર કરી છે.
અમદાવાદ શહેરમાં રહેતા અને ગુજરાતી ફિલ્મોમાં કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોનીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે,”ઘરેથી કામ કરવાનો દિવસ મારા અને મારી ટીમ માટે આજે એક દુઃસ્વપ્ન બની ગયો. અમે સ્વિગી દ્વારા અમદાવાદની IIM શાખા – અર્બન ખીચડીથી ભોજન મંગાવ્યું હતું. અમારો ઓર્ડર: 2 દાળ-ભાત કોમ્બો અને 3 ખીચડી. અમે બધા એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાંથી સારા, ઘરેલું ભોજનનો આનંદ માણવાની માનસિકતામાં હતા. પરંતુ પછી જે બન્યું તે ભયાનક અને આઘાતજનક હતું. મારા એક સાથીએ દાળ-ભાત કોમ્બો પહેલેથી જ ખાઈ લીધો હતો. બીજા સાથીએ હમણાં જ દાળ-ભાતનું બોક્સ ખોલ્યું અને દાળમાં એક મૃત વંદો તરતો મળ્યો. મેં તરત જ રેસ્ટોરન્ટમાં ફોન કર્યો, મેનેજર સાથે વાત કરવાની માંગ કરી, અને વોટ્સએપ પર પુરાવા (તસવીરો) પણ શેર કર્યા. અને મને શું જવાબ મળ્યો? “મૅડમ, અમે તાજેતરમાં જ જીવાત નિયંત્રણ સારવાર કરી હતી… હું માફી માંગુ છું, મને ફક્ત તમારી રકમ પરત કરવા દો.” જ્યારે મેં માલિકનો નંબર માંગ્યો, ત્યારે જવાબ વધુ આઘાતજનક હતો.. “માલિક દાંડિયા સીઝનમાં વ્યસ્ત છે અને વાત કરી શકતો નથી.” હું દરેકને વિનંતી કરું છું કે આને આગળ શેર કરો અને અર્બન ખીચડીમાંથી ઓર્ડર આપતા પહેલા બે વાર વિચાર કરો, કારણ કે કોઈને પણ આપણે જે કર્યું તેમાંથી પસાર થવું ન જોઈએ.”
હાલના આધુનિક જમાનામાં હવે લોકો ઘરે ભોજન કરવાની જગ્યાએ બહાર ભોજન લેવાના શોખીન બની ગયા છે પણ બહારનું ભોજન પોતાના સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારક છે? તેને લઈને મોટો સવાલ છે. કારણ કે અવારનવાર મોટી મોટી હોટલોના ભોજનમાંથી મૃત વંદો અને જીવજંતુઓ મળી આવતા હોય છે. ગ્રાહકો દ્વારા અનેક વખત આ અંગે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવતા નથી અને માત્ર દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે.
આ પણ વાંચો: કચ્છની ધરા ફરી ધ્રૂંજી, 6 કલાકમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા
ઉલ્લેખનિય છે કે, અગાઉ નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉધરા પોઈન્ટમાંથી ભોજનમાં વંદો નીકળ્યો હતો. એક ગ્રાહક પોતાના પરિવાર સાથે જમવા ગયો હતો અને તેમને મંગાવેલા સાંભારમાંથી મૃત વંદો નીકળ્યો હતો. આ અંગે સંચાલકને જાણ કરતા સંચાલકે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ગ્રાહકે કરી હતી.