એપ્રિલ મહિનામાં કમૌસમી વરસાદ બાદ હવે મે મહિનામાં આકરા તડકાનો માર સહન કરવા તૈયાર રહેજો. અમદાવાદમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમ હવાની સાથે આકરો તડકો સહન કરવો પડશે.
અમદાવાદ હીટ એક્શન પ્લાન – 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લીક હેલ્થ, ગાંધીનગર, નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ, અમેરિકા અને IMD અમદાવાદના સહયોગથી અમદાવાદ હીટ એક્શન પ્લાન – 2023 અમલમાં મુકવામાં આવ્યો છે. જેના અનુસંધાન હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન શહેરમાં કેટલું તાપમાન રહેશે તેની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસમાં અમદાવાદીઓ તડકામાં શેકાશે
તારીખ 9 મે, 2023ના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર 10થી 14 મે, 2023 દરમિયાન અમદાવાદ શહેરમાં કેટલું તાપમાન રહેશે તેની આગાહી કરવામાં આવી છે, જે આ મુજબ છે. આ આગાહીમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

જે મુજબ 10 મેના રોજ અમદાાદમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના બે દિવસ અમદાવાદીઓ માટે ભયંકર રહેશે. જેમાં 11 અને 12 મેના રોજ અમદાવાદમાં તાપમાન વધીને 44 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જવાની ચેતવણી આપવામાં આવી છે. જે છેલ્લા પાંચ દિવસના તાપમાનની આગાહીના સૌથી ગરમ દિવસ છે. તો 13 અને 14 મેના રોજ શહેરમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીથી બચવા અપીલ
ગુજરાત સહિત અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની ચેતવણી આપવામાં આવી છે. તેની સાથે જ ગરમીથી શરીરને બચાવવા અને આરોગ્યની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.