રવિવારે પડેલા એક દિવસના વરસાદમાં જ વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા, તો ક્યાંક ભૂવા પડી ગયા. નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સોમવારે સવારે ચાર સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી – વાળીનાથ ચોક, ગુલબાઈ ટેકરા ખાતે પાસપોર્ટ ઓફિસ પાસે, રાણીપ અને વિરાટનગર – જ્યાં ભારે રોડ-રસ્તાને નુકશાન થયુ હતુ.
સોમવારે સવાર સુધી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્ટાફ ઉપરાંત, શહેરના પૂર્વ મેયર અને ભાજપના સીટીંગ એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહ પણ જીવરાજ પાર્કની આસપાસના પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ કરવા આગળ આવ્યા હતા.
તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “જીવરાજ પાર્કની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષથી પાણી ભરાય છે. શ્રેયસ ટેકરા અને અન્ય સ્થળોનું પાણી અહીં વહીને આવે છે, જેના કારણે પાણી ભરાય છે. અગાઉ તે છથી સાત કલાક ભરેલુ રહેતુ હતુ પરંતુ હવે 30 મિનિટમાં વિસ્તાર સાફ થઈ જાય છે. ગઈકાલે રાત્રે પણ, આ વિસ્તારને પાણી ભરાવાથી મુક્ત થવામાં માત્ર અડધો કલાક લાગ્યો હતો.”
AMCના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા આઠ હોર્ડિંગ્સ પડી ગયા હતા. AMC કંટ્રોલ રૂમમાં પણ સમગ્ર શહેરમાંથી લગભગ 150 વૃક્ષો પડી જવાની અને ધરાશાયી થવાની ફરિયાદ નોંધાઈ છે.
જો કે, નાગરિક અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ ઘટનાઓથી કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી. “ગઈકાલના વરસાદ અને કરાથી કોઈ મોટુ નુકશાન થયાની જાણકારી નથી. AMCના સિટી એન્જિનિયર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જ પાણી ભરાઈ જવાની ફરિયાદો પણ ઉકેલાઈ ગઈ હતી.
અધિકારીઓએ જાહેર કર્યું કે, પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણી સાફ કરવા માટે કોઈ વધારાના પમ્પિંગની જરૂર નથી. AMC પાસે નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણી બહાર કાઢવા માટે સમગ્ર શહેરમાં 90 થી વધુ પાણીના પંપ છે.
રવિવારે રાજ્યભરના 91 તાલુકાઓમાં મુખ્યત્વે મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, ભાવનગર, ખેડા, આણંદ, નર્મદા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.
28 મે થી 29 મે સુધી સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ 65 મીમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દાંતામાં 55 મીમી, અમદાવાદ શહેરમાં 54 મીમી, બનાસકાંઠાના વડગામમાં 52 મીમી અને પાટણના ચાણસ્મામાં 50 મીમી વરસાદ નોંધાયો છે.
સોમવારે સવારે પંચમહાલના જાંબુઘોડા, મોરવા હડફ અને ગોધરામાં અમુક જગ્યાએ વરસાદ નોંધાયો હતો.
કોંગ્રેસનો સવાલ
ભાજપ શાસિત AMCના પ્રી-મોન્સુન એક્શન પ્લાન પર સવાલ ઉઠાવતા, કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને પ્રી-મોન્સુન એક્શન પ્લાન પર દેખરેખ રાખવાની માંગ કરી હતી, જો સંબોધવામાં નહીં આવે તો આંદોલનની ધમકી આપી હતી.
ચોમાસાની સિઝનની શરૂઆત પહેલા જ પાણી ભરાયેલા રસ્તાઓ અંગે ફરિયાદ કરતા, AMCમાં વિપક્ષના નેતા શહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, “બે વર્ષ પહેલાં, ભાજપ શાસિત સરકારે સમસ્યાના નિવારણ માટે વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ રૂ. 3,000 કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવો દાવો કર્યો હતો. પરંતુ પક્ષમાં આંતરિક જૂથવાદને કારણે વિશ્વ બેંકે હજુ સુધી આ લોન મંજૂર કરી નથી. જેના કારણે આ કામો થતા નથી અને તેનો માર પ્રજાને ભોગવવો પડે છે.
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક સમસ્યાઓ અને વરસાદને કારણે ઊભી થતી સમસ્યાઓના નિવારણ માટે દર વર્ષે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. વારંવારની ફરિયાદો અને વિનંતીઓ છતાં, આનો ઉકેલ લાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાન કાગળ પર જ રહી જાય છે અને બિનઅસરકારક રહે છે.
કોંગ્રેસે કહ્યું, બે મહિના પહેલા કરોડો રૂપિયાના ડ્રેનેજ લાઇન ડી-સિલ્ટીંગના કામો મંજૂર થયા હતા. શું તે પુરૂ કરવામાં આવ્યું છે? જો આમ કરવામાં આવ્યું હોત તો ગઈકાલે રાત્રે જનતાને તેનો માર સહન ન કરવો પડત. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ બધું સાબિત કરે છે કે, કામ માત્ર કાગળો પર જ થયું છે”.
વધુમાં, તાજેતરમાં બાંધવામાં આવેલા રસ્તાઓ સહિતના રસ્તાઓની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવતા પઠાણે જણાવ્યું હતું કે, “ગઈ રાતના વરસાદ પછી રસ્તાઓ દબાવા લાગ્યા છે. ગયા વર્ષે અને ચાલુ વર્ષમાં 2,000 કરોડ રૂપિયા રસ્તાના નિર્માણ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. રસ્તાઓની હાલત ટેન્ડરો આપવામાં ભ્રષ્ટાચારની હદ દર્શાવે છે અને ગુણવત્તા પર નજર રાખવામાં આવતી નથી.
વિરોધ પક્ષે માંગ કરી હતી કે, શાસક પક્ષે રહેવાસીઓને હેરાનગતિથી બચાવવા પ્રી-મોન્સુન એક્શન પ્લાન અમલમાં મૂકવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ.





