મોંધવારી અને મંદીની બુમરાણ વચ્ચે પણ કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન અમદાવાદમાં નવા મકાન-ફ્લેટના વેચાણમાં વાર્ષિક સરખામણીએ 58 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. નવા મકાનોનું વેચાણ વધવાની સાથે સાથે અમદાવાદમાં નવી રેસિડેન્શિયલ સ્કીમનું લોન્ચિંગ 42 ટકા વધ્યુ છે. અત્રે નોંધનિય છે કે, કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટમાં એકંદરે તેજીનો ટ્રેન્ડ રહ્યો છે.
ઇન્વેસ્ટમેન્ટ માટે સોના બાદ રિયલ એસ્ટેટ સૌથી સુરક્ષિત વિકલ્પ
નાણાંના રોકાણ માટે સોના બાદ રિયલ એસ્ટેટ એટલે કે મકાન-ઓફિસ અને જમીનને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. રિયલ એસ્ટેટમાં રોકાણનો સૌથી મોટો ફાયદો તેની બજારમાં કિંમતમાં ઝડપી વધારો અને ભાડા પેટેથી થતી આવક છે. ભારતનું રિયલ માર્કેટ હાલ ઝડપથી વિકાસ પામી રહ્યુ છે. સ્થાનિક રોકાણકારો ઉપરાંત વૈશ્વિક કંપનીઓ અને NRI પણ ભારતના રિયલ્ટી સેક્ટરમાં રોકાણ માટે આકર્ષિત થયા છે. હાલ હોમ લોનના વ્યાજદર વધી રહ્યા છે ત્યારે પણ લોકો મોટી સંખ્યામાં મકાનો ખરીદી રહ્યા છે.
ભારતના મુખ્ય મેટ્રો શહેરોમાં મકાનોનું વેચાણ 9 વર્ષની ટોચે
મહામારી, મંદી અને મોંઘવારીની બૂમાબૂમ વચ્ચે પણ ભારતનું રિયલ એસ્ટેટ રોકેટ ગતિએ વિકાસ પામી રહ્યુ છે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ 2022માં ભારતના મુખ્ય આઠ મેટ્રો શહેરો- મુંબઇ, દિલ્હી- એનસીઆર, બેંગ્લોર, પુના, ચેન્નઇ, અમદાવાદ, હૈદારાબાદ, કોલકાતામાં ઘરનું કુલ વેચાણ 34 ટકા વધીને 312666 યુનિટ નોંધાયુ છે. ગત વર્ષે જુલાઇથી ડિસે મ્બર 2022ના છ માસિકગાળામાં મકાન-ફ્લેટનું વેચાણ વાર્ષિક તુલનાએ 15 ટકા વધીને 153961 યુનિટ થયુ છે.

મકાનોનું વેચાણ વધવાની સાથે સાથે દેશમાં નવી રેસિડેન્શિયલ સ્કીમનું લોન્ચિંગ પણ વધ્યુ છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટના આંકડા અનુસાર સમગ્ર કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન ભારતના રેસિડેન્સિયલ માર્કેટમાં 328129 યુનિટ નવા મકાનો ઉમેરાયા છે, જે અગાઉના વર્ષની તુલનાએ 41 ટકા વધારે છે.
અમદાવાદમાં મકાનનું વેચાણ 58 ટકા વધ્યુ
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ઇન્ડિયા રિયલ એસ્ટેટ રેસિડેન્સિયલ એન્ડ ઓફિસ માર્કેટ 2022ના રિપોર્ટ અનુસાર અમદાવાદમાં જુલાઇથી ડિસેમ્બર 2022 દરમિયાન 5865 યુનિટ મકાન-ફ્લેટ વેચાયા છે, જે વાર્ષિક તુલનાએ 25 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે જ સમગ્ર કેલેન્ડર વર્ષ 2022માં અમદાવાદમાં નવા 14062 મકાન-ફ્લેટ વેચાયા છે, જે વાર્ષિક સરખામણીએ 58 ટકા વધારે છે. ઉપરાંત ભારતના મુખ્ય 8 રિયલ્ટી માર્કેટમાં દિલ્હી બાદ બીજું સૌથી વધારે વેચાણ છે. નવા મકાનના વેચાણની સામે વર્ષ 2022માં અમદાવાદમાં નવા 20809 મકાન-ફ્લેટ ઉમેરાયા છે, જે પાછલા વર્ષની તુલનાએ 42 ટકા વધારે છે. અમદાવાદમાં હાલ 22977 મકાનો વણવેચાયેલા છે.

દિલ્હી-NCRમાં મકાનોનું વેચાણ સૌથી વધુ વધ્યુ
આ રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ 2022માં દિલ્હી-એનસીઆરમાં 58460 મકાનો વેચાયા છે જે વાર્ષિક તુલનાએ 67 ટકા વધારે છે. ત્યારબાદ મકાનોના વેચાણમાં 58 ટકાની વૃદ્ધિ સાથે અમદાવાદ આ યાદીમાં બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે રહેલા બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ 40 ટકા વધીને 53363 યુનિટ નોંધાયુ છે. તેવી જ રીતે મુંબઇમાં મકાનોનું વેચાણ 35 ટકા વધીને 85169 યુનિટ, હૈદારબાદમાં 28 ટકા વધીને 31046 યુનિટ, ચેન્નઇમાં મકાનનું વેચાણ 19 ટકા વધીને 14248 યુનિટ અને પુનામાં 17 ટકા વધીને 43410 યુનિટ નોંધાયુ છે. મુખ્ય 8 શહેરોમાં એક માત્ર કલકત્તામાં ગત વર્ષે મકાનોનું વેચાણ 10 ટકા ઘટ્યું છે. કેલેન્ડર વર્ષ 2022માં કલકત્તામાં માત્ર 12909 મકાનો વેચાયા છે.

‘ઘર’ ખરીદવું મોંઘુ થયુ, અમદાવાદમાં મકાન-ફ્લેટની કિંમત 4 ટકા વધી
‘ઘર’ ખરીદવું દિવસેને દિવસ મોંઘું અને મુશ્કેલ બની રહ્યું છે. કેલેન્ડર વર્ષ 2022માં અમદાવાદમાં રેસિડેન્શિયલ માર્કેટમાં પ્રતિ ચોરસ ફૂટની કિંમત 4 ટકા વધીને 2900 રૂપિયા થઇ છે. તો શહેરમાં પ્રતિ સ્કેવર મીટર ભાવ વધીને 31216 રૂપિયા થયો છે. તેમ છતાં ભાવની દ્રષ્ટિએ દેશના અન્ય રિયલ એસ્ટેટ માર્કેટની સરખામણીએ અમદાવાદ ઘણું આકર્ષક છે.

મુંબઇ, દિલ્હી- એનસીઆર, બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોપ્રટીનો ભાવ પ્રતિ ચોરસ ફૂટ 7 ટકા વધ્યો છે. તો ચેન્નઇ અને હૈદરાબાદમાં પ્રતિ ચોરસ ફૂટ ભાવ 6-6 ટકા અને કોલકત્તામાં 4 ટકા વધ્યો છે.