ahmedabad iskcon bridge accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માત મામલામાં પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી સમગ્ર ઘટનાસ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠક બેઠક પણ કરાવી હતી. જે જગ્યાએ કાર અથડાવીને લોહીના ખાબોચિયાં ભર્યા હતા ત્યાં જ પિતા-પુત્રને કાન પકડીને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી. ઘટના સ્થળ ઇસ્કોન બ્રિજ હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
આ અકસ્માત મામલે FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, તથ્ય પટેલની ગાડી 160 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી રહી હતી.
અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગૃહ રાજ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટના ક્રમની અને પોલીસ તંત્ર દ્વારા આ ઘટના બાદ લેવાયેલા પગલાઓથી માહિતગાર કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.
આ પણ વાંચો – ઈસ્કોન બ્રિજ અકસ્માત : મુખ્ય આરોપી તથ્ય પટેલ પોલીસ પકડમાં, 3 યુવતીઓની પણ અટકાયત કરી
તથ્ય પટેલ કોણ છે?
તથ્ય પટેલ 19 વર્ષનો સુખી સંપન્ન ઘરનો યુવાન છે. જેના પર આરોપ છે કે, તેમે ભારે સ્પીડ સાથે કાર હંકારી ટોળાને ફંગોળ્યા જેમાં 9 લોકોના મોત થયા છે. તથ્ય પટેલના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે, જે એક બિલ્ડર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને ગોતા રહે છે. સૂત્રો અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે તથ્યની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવાન પણ હતા. તથ્ય પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મની સામે એક હરે શાંતિ બંગ્લોમાં રહે છે.
ઈસ્કોન અકસ્માત – મૃતકોના નામ
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકોમાં અમન અમિરભાઈ કચ્છી (ઉ. 25, રહે. સુરેન્દ્રનગર), અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર), રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ), અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ), કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ) આ સિવાય ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ), નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ) અને એક વ્યક્તિની હજુ ઓળખ થઈ શકી નથી.