Ahmedabad Metro : અમદાવાદ મેટ્રો શરૂ થયાને હવે ગણતરીના દિવસો જ થયા છે પરંતુ મેટ્રો કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રોમાં મુસાફરી આરામદાયક હોય છે અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ અમદાવાદ મેટ્રો શરૂ થયાને 15 દિવસ પણ થયા નથી કે લોકોએ સ્ટેશન (Metro Station Dirty) પર ગંદકી ફેલાવવાનું શરૂ કરી દીધુ છે. તો એક વ્યક્તિએ વીડિયો શેર કરીને લોકોને આવું ન કરવાની અપીલ કરી તો આખી વાત લોકોની નજરમાં આવી.
થૂંકીને મેટ્રો સ્ટેશન ગંદું કર્યું!
સામે આવેલા વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, મેટ્રો શરૂ થયાને થોડા જ દિવસો થયા છે, પરંતુ લોકોએ દરેક જગ્યાએ પાન-મસાલા થૂંકીને સ્ટેશનને ગંદુ કરી દીધું છે. આટલા પૈસા ખર્ચ કરી આ મેટ્રો આપણી સુવિધા માટે બનાવવામાં આવી છે, પરંતુ એવું લાગે છે કે કેટલાક લોકો એવું માને છે કે જ્યાં સુધી તેઓ અહીંની પિચકારી નહીં મારે ત્યાં સુધી મજા નહી આવે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી
@AshtaputreD યુઝરે લખ્યું સ્વચ્છ ભારત ક્યાં છે? થૂંકનારા અને ગંદકી કરનારાઓને ભારે દંડ થવો જોઈએ. દરેક જાહેર સ્થળ ખાસ કરીને આધુનિક સુવિધાઓ જેવી કે મેટ્રો, બુલેટ ટ્રેન સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર સ્વચ્છ રાખવા પડશે. @Mr_Abhimanyuએ લખ્યું કે જ્યાં સુધી એક કે બેને જેલમાં ન નાખવામાં આવે અને તેમના હાથે સાફ સફાઈ નહીં કરાવવામાં ત્યાં સુધી લોકો સુધરશે નહીં.
@mittalsandy યુઝરે લખ્યું કે, દેશ બદલાઈ રહ્યો છે પણ સુધરી રહ્યો નથી. પ્રશાસને એવું કંઈક કરવું જોઈએ કે જે આવું કરે છે તેમને શરમ આવે. @fake_kulguy યુઝરે લખ્યું કે, ભાઈ, આપણા દેશના લોકો આને લાયક નથી. કોઈ વસ્તુની કદર જ નથી. દુઃખ થાય છે અને આ જ લોકો વિદેશમાં જઈને ત્યાં નિયમનું પાલન કરશે. @Norvin4Karma યુઝરે લખ્યું કે, જે લોકો પકડાય તેમને સામાજ સેવા હેઠળ 30 દિવસ સુધી આ જગ્યાઓની સફાઈ કરવાની સજા મળવી જોઈએ. આપણે સ્વચ્છતાના માપદંડમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
આ પણ વાંચો – PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી, કેટલું છે ભાડુ? જુઓ રૂટ અને ખાસિયત
તમને જણાવી દઈએ કે, અમદાવાદ મેટ્રોના મોટેરા સ્ટેડિયમ સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે, જ્યાં લોકોએ પાન થૂંકીને સ્ટેશનની સુંદરતા બગાડી છે. મેટ્રોમાં પાન-ગુટકા, તમાકુ વગેરેનો ઉપયોગ પ્રતિબંધિત છે. અગાઉ સાબરમતી નદી પર અટલ ફૂટ ઓવર બ્રિજના ઉદ્ઘાટન બાદ લોકોએ પાન મસાલા થૂંકીને સુંદરતા બગાડી હતી. જો કે હવે આવા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.