અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એક મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યુ છે. નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB) એ 6 ડિસેમ્બરે નામમાં ફેરફાર કરવાની મંજૂરી આપ્યા બાદ અમદાવાદમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. નોંધનિય છે કે, અગાઉ અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો.
AMC MET મેડિકલ કોલેજ મણિનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત LG હોસ્પિટલ સાથે સંકળાયેલી છે. ચાલુ વર્ષે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ મેડિકલ કોલેજનું નામ બદલવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. 15 સપ્ટેમ્બર, 2022 ના રોજ, સ્થાયી સમિતિએ 150 અંડરગ્રેજ્યુએટ બેઠકો સાથે 2009 માં રચાયેલી મેડિકલ કોલેજનું નામ બદલવાની દરખાસ્ત પસાર કરી.
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “AMC MET મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાનો અભિપ્રાય વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોનો હતો. મેડિકલ કોલેજનું નામ બદલવા પાછળ બીજું કોઈ કારણ નથી.”
AMC MET ડીન ડૉ. દિપ્તી શાહના જણાવ્યા અનુસાર, “તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી રાખવાનો વિચાર પણ મહાન છે કારણ કે તે લોકોની ઈચ્છા અને લાગણીને માન આપવાનો પ્રયાસ છે. વર્ષ 2002માં મુખ્યમંત્રી બન્યા બાદ તેમના મતવિસ્તાર મણિનગરમાં મેડિકલ કોલેજ હોય તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિઝન હતું. આનો બધો જ શ્રેય તેમને જાય છે.”
અત્રે ઉલ્લેખનિય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ધારાસભ્ય તરીકે 11 વર્ષ કરતા વધુ સમય સુધી અમદાવાદના મણિનગર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી લડી હતી.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાતા વિવાદ સર્જાયો

લગભગ દોઢેક વર્ષ પહેલા અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા સરકાર પટેલ સ્ટેડિયમનું નામ બદલને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસે સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના નિર્ણયને દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન ગણાવ્યુ હતુ. મોટેરામાં આવેલુ આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રેકિટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1.10 લાખ લોકોની છે અને તેને તાજેતરમાં 800 કરોડના ખર્ચે મોર્ડન લુક આપવામાં આવ્યુ છે.