Ahmedabad Plane Crash Death: અમદાવાદ પ્લેન ક્રેશમાં 250 થી વધુ લોકોના કરુણ મોત થયા છે. આ વિમાન દૂર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારજનો આઘાતમાં છે. કોઇયે પોતાના પિતા, માતા, પુત્ર કે પુત્રી ગુમાવ્યા છે. લંડન જઇ રહ્યા લોકોને ક્યાં ખબર હતી કે આ ઉડાન તેમની છેલ્લી ઉડાન બની રહેશે. આ વિમાન દૂર્ઘટનામાં લંડનમાં મૃત્યુ પામેલી પત્નીના અસ્થી વિસર્જન કરવા ગુજરાત આવેલા અમરેલીના વતની અર્જૂન ભાઇ પટોળિયાનું પણ પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું છે. માતા બાદ પિતાનું મોત થતા બે દિકરીઓ નિરાધાર થઇ છે.
પત્નીના અસ્થિ વિસર્જન કરવા અમરેલી આવ્યા
મૂળ ગુજરાતના અમરેલીના વતની અર્જૂન ભાઇ પટોળિયા પત્ની અને બે બાળકી સાથે લંડનમાં રહે છે. તેમની પત્ની ભારતીબેન પટોળિયાનું 26 મે, 2025ના રોજ લંડનમાં અવસાન થયું હતું. પત્નીની ઇચ્છા હતી કે તેમના અસ્થિ કળશનું વિસર્જન તેમના અમરેલી જિલ્લાના વતન ગામના તળાવમાં કરવામાં આવે.
લંડન જતી ફ્લાઇટમાં મળ્યું મોત
પત્નીની ઇચ્છા મુજબ તેમના અસ્થિ કળશનું વિસર્જન કરવા અર્જૂન ભાઇ લંડનથી અમરેલી આવ્યા હતા. પત્નીના અસ્થિ વિસર્જન કર્યા બાદ અર્જૂન ભાઇ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં અમદવાદથી લંડન પરત જઇ રહ્યા હતા. જો કે કમનસીબે અમદાવાદમાં વિમાન ક્રેશ થતા અર્જૂન ભાઇ પટોળિયાનું કરુણ મોત થયું છે.
આ પણ વાંચો | નવી જિંદગીનું સોનેરી સપનું અને છેલ્લી ઉડાન, ડૉક્ટર દંપતીનો આખો પરિવાર પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યો
બે દિકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર અર્જૂન ભાઇ પટોળિયાને બે નાની પુત્રીઓ છે, જેમા એકની ઉંમર 8 વર્ષ અને બીજીનું ઉંમર 4 વર્ષ છે. માતા બાદ પ્લેશન ક્રેશમાં પિતાનું પણ મૃત્યુ થતા બંને પુત્રીઓ અનાથ થઇ ગઇ છે. આ વિમાન દુર્ઘટનામાં આવી ઘણી દુઃખદ કહાણીઓ છે. અમદાવાદ પ્લેશન ક્રેશમાં સ્વજન ગુમાવનાર દરેક પરિવારની ભાવનાત્મક કહાણી હોય છે જે તમને રડાવી દેશે.





