Ahmedabad Plane Crash News : અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર પાસેના વિસ્તારમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા. જેમનું નિધન થયું છે. તેમના નિધનની પૃષ્ટી ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કરી છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે શોક વ્યક્ત કરતા કહ્યું કે આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરોની સાથે હોસ્ટેલમાં રહેતા ડોક્ટર વિદ્યાર્થીઓને પણ નુકસાન પહોંચ્યું છે. ભાજપ પરિવાર પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. આ સાથે તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તમામ દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી. તેમણે શોકગ્રસ્ત પરિવારને આ મુશ્કેલ સમયમાં ધીરજ અને હિંમત મળે તેવી પણ કામના કરી હતી.
લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઇ ગયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. અકસ્માત પછી ધુમાડાના ગોટે-ગોટા નીકળતા જોવા મળ્યો હતા.
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પ્રોફાઇલ
વિજય રૂપાણીનો જન્મ 1956માં મ્યાનમારના રંગૂનમાં થયો હતો. તેમના પિતાનું નામ રમણીક લાલ છે. રાજકોટમાં ઉછરેલા રૂપાણી શાળામાં હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં જોડાયા હતા. તેમણે બીએ અને બાદમાં એલએલબીની ડિગ્રી મેળવી હતી. રાજ્યના પ્રવાસન નિગમના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાનને લોકપ્રિય બનાવ્યું હતું. ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો ઘણો શ્રેય રૂપાણીને જાય છે.
રાજકારણમાં તેમનો પ્રવેશ કોલેજના દિવસોમાં થયો હતો. અહીં તેઓ એબીવીપીમાં જોડાયા અને 70ના દાયકામાં નવનિર્માણ આંદોલનનો ભાગ બન્યા. જયપ્રકાશ નારાયણ દ્વારા બોલાવવામાં આવેલા વિદ્યાર્થીઓના વિરોધમાં જોડાનારા તેઓ પ્રથમ લોકોમાં હતા. રૂપાણી કટોકટી દરમિયાન ભુજ અને ભુવનેશ્વરની જેલોમાં ગયા હતા. તેઓ 1987માં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકામાં કાઉન્સિલર બન્યા હતા. બાદમાં તેઓ શહેર ભાજપ એકમના પ્રમુખ બન્યા હતા.
તેઓ આરએસએસના સમર્પિત કાર્યકર્તા હતા. ઓગસ્ટ 2016માં આનંદીબેનની વિદાય બાદ તેઓ સીએમ બન્યા હતા. તેમને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીકના માનવામાં આવતા હતા. રૂપાણી 2006 થી 2012 ની વચ્ચે રાજ્યસભાના સભ્ય હતા. તેઓ જળ સંસાધન, અન્ન અને જળ અંગેની વિવિધ સંસદીય સમિતિઓનો ભાગ રહ્યા છે. તેઓ 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બન્યા હતા. ઓક્ટોબર 2014માં તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી મોટા અંતરથી જીત્યા હતા. તત્કાલીન ધારાસભ્ય વજુભાઈ વાળા રાજ્યપાલ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
ફેબ્રુઆરી 2016માં રૂપાણી પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા હતા. રૂપાણી આનંદીબેન પટેલ સરકારમાં પરિવહન મંત્રી રહી ચૂક્યા છે.
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો લાઇવ વીડિયો સામે આવ્યો
ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.





