Ahmedabad Plane Crash: આજે 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. હવે ધારાસભ્ય દર્શના વાઘેલાએ પણ આ ઘટના પર પોતાનું નિવેદન જારી કર્યું છે. ANI સાથેની વાતચીતમાં દર્શના વાઘેલા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ANI એ દર્શના વાઘેલાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દર્શના વાઘેલા કહી રહ્યા છે કે હું અહીં મારી ઓફિસમાં બેઠી હતી, ત્યારે એક જોરદાર વિસ્ફોટ થયો. હું મારી ઓફિસમાંથી ત્યાં ગઈ હતી, એક ખૂબ મોટું વિમાન ક્રેશ થયું હતું. ધુમાડાના ગોટેગોટા ઉડતા હતા અને આગ લાગી હતી. દર્શના વાઘેલાએ વધુમાં કહ્યું કે ડોક્ટરોના ફ્લેટને ઘણું નુકસાન થયું છે. જોકે લોક કાર્યકર્તા અને બધાની મદદથી અમે ત્યાંથી કેટલા ડોક્ટરોને બહાર કાઢ્યા છે.
ધારાસભ્યએ શું કહ્યું?
દર્શના વાઘેલાએ કહ્યું કે જે લોકોને પાછળથી વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તેમની હાલત ખૂબ જ ખરાબ છે. ધારાસભ્યએ કહ્યું કે અત્યારે કોઈ અંદાજ નથી, પણ હાલત ખૂબ જ ખરાબ છે. અમને ખબર પણ નથી કે તે શું છે? જ્યાં વિમાન ક્રેશ થયું તે જગ્યા ડોકટરો માટે રહેણાંક વિસ્તાર હતી, ત્યાં ફ્લેટ હતા. મને કંઈ ખબર નહોતી, પરંતુ મને ખબર પડતાં જ હું ઘટનાસ્થળે દોડી ગઈ.
અકસ્માતને કારણે મોટું નુકસાન – દર્શનાબેન વાઘેલા
દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે વિમાનમાં રહેલા લોકો વિશે કોઈ માહિતી નથી અને ફ્લેટમાં રહેતા લોકોને પણ ઘણું નુકસાન થયું છે. દર્શનાબેને કહ્યું કે બચાવ કામગીરી ચાલુ રહેશે. નોંધનીય છે કે આ વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પીએમ મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચશે, ઘટનાસ્થળની લેશે મુલાકાત
વિમાનમાં 242 મુસાફરો સવાર હતા
અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ભયાનક દુર્ઘટનાનુ શિકાર બન્યું છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાં એક વ્યકિતને બાદ કરતા તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં 217 મુસાફરો પુખ્તવયના અને 11 બાળકો તેમજ 2 નવજાત શિશુ સવાર હતા. જેમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા. ત્યાં જ ગુજરાતના આણંદ જિલ્લાના કૂલ 33 મુસાફરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે.
મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ થશે
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.