Ahmedabad Weather Forecast, અમદાવાદ વરસાદ : અમદાવાદના વેધરની વાત કરવામાં આવે તો બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં સવારથી બપોર સુધી બફારો જોવા મળ્યો હતો અને બપોર પછી વરસાદ શરુ થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
બપોર પછી વરસાદ વરસ્યો
અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો. જોકે બપોર પછી વરસાદ થતા લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળી હતી. બપોર પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો છે.
પૂર્વ વિસ્તારમાં નરોડા, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ, એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
બુધવારે રાજ્યમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 25 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – હિંમતનગરમાં ભયંકર કાર અકસ્માત, અમદાવાદના 7 લોકોના કરુણ મોત
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. પ્રાંતિજ 1.65 ઇંચ, સુરત 1.57 ઇંચ, વાપી 24 મીમી, દાહોદ 20 મીમી, ગણદેવી 17 મીમી, ઝાલોદ 12 મીમી, જલાલપોર 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 19 તાલુકામાં 1 થી 8 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
25 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે.





