અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર એક સ્પા માલિક દ્વારા યુવતીને ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને આ મામલે ફરિયાદ નોંધી સ્પા માલિકની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક યુવતીને લાફા, અને વાળ ખેંચી માર મારી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વીડિયો પોલીસ પાસે પણ પહોંચ્યો અને પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસની સમજાવટ બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.
શું છે મામલો? વાયરલ વીડિયોમાં શું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક કોઈ કોમ્પલેક્ષની ગેલરીમાં એક યુવતીને વાળ પકડી ઢસેડે છે, અને વારંવાર તેને લાફા મારે છે. સામે યુવતી પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ રહે છે. યુવક નિર્દયતાથી વારંવાર યુવતીને લાફા ઝીંકે છે, તેની ધક્કો મારી નીચે પાડે છે, વાળ ખેંચી ઢસેડે છે, ભીંતે માથુ પણ ભટકાવે છે. મહત્ત્વની વાત એ છે કે, યુવતીને જ્યારે માર મારવામાં આવતો હતો, ત્યારે કેટલાક સિક્યોરીટી ગાર્ડ પણ ત્યાં હાજર હતા અને આ તમામ લોકો મૂકદર્શક બની તમાસો જોઈ રહ્યા હતા, કોઈએ વચ્ચે પડી યુવતીને બચાવી નહી, અને પોલીસને પણ જામ કરવાની તસ્દી નલીધી. આ ક્રૂરતાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. આ મામલાનો વીડિયો પોલીસ પાસે પહોંચતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા અને એક્શન લેવાનું શરૂ કર્યું.
ઘટના કયા વિસ્તારની અને ક્યારની છે
પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયો સામે આવ્યા બાદ ઘટના ક્યાંની છે અને યુવતી કોણ છે તેની તપાસ શરૂ કરી. આ મામલો 25 સપ્ટેમ્બર લગભગ સવારે 4 વાગ્યાની આસપાસનો છે. જેમાં સિંધુ ભવન રોડ પર આવેલ ટાઈમ સ્ક્વેર બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ સ્પા માલિક અને હેર સલુન ચલાવતી યુવતીનો છે. પોલીસે યુવતીને પુરો સપોર્ટ કરવાની ખાતરી આપી સમજાવ્યા બાદ યુવતી પોલીસ ફરિયાદ માટે તૈયાર થઈ હતી, અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.
કઈ વાતનો ઝગડો હતો, કેમ યુવતીએ પોલીસની મદદ લીધી નહી
પોલીસ પુછપરછમાં યુવતીએ જણાવ્યા અનુસાર, યુવતી નોર્થ-ઈસ્ટ ભારતની મૂળ રહેવાસી છે, તે સિંધુ ભવન રોડ પર ટાઈમ સ્ક્વેર બિલ્ડીંગમાં ત્રીજા માળે ચાલતા ગેલેક્સી સ્પા સેન્ટરની બાજુમાં હેર સલૂન ચલાવે છે, તે સ્પા સેન્ટરના માલિક મોહસીન રંગરેજ સાથે પાર્ટનરશિપમાં હેર સલૂન ચલાવે છે, તેને અને પાર્ટનર સ્પા માલિક મોહસિન રંગરેજ સાથે પૈસાના હિસાબને લઈ બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મોહસીને તેને ઢોર માર માર્યો હતો. આ સમયે તેણે 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ફોન છીનવી લીધો હતો, ત્યારબાદ તેણે મોહસીને માફી માંગતા પોલીસ ફરિયાદ કરાવી ન હતી.
પોલીસે આરોપી મોહસીનને દબોચવા કરી કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીની બોડકદેવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોહસીનના ઘરે દાણીલીમડા વિસ્તારમાં તેની અટકાયત માટે પહોંચી હતી, પરંતુ તેના પરિવાર તથા સગાસંબંધીએ જણાવ્યું કે, તે કપડા ભરી રાજસ્થાન જાય છે તેમ કહી ઘરેથી નીકળેલ છે, હાલમાં પોલીસે મોહસીનની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો – વલસાડ : હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી વિકરાળ આગ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
યુવતીએ પોલીસ અને સપોર્ટ કરનારનો આભાર માન્યો
નોર્થ-ઈસ્ટની યુવતીએ અમદાવાદ પોલીસ અને તેને સપોર્ટ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, પલીસ દ્વારા તેને સહયોગ અને હિંમત મળતા તેની પર થયેલા અત્યાચાર મામલે તે ફરિયાદ નોંધાવી શકી, તેણે તેને સપોર્ટ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.





