Ahmedabad Traffic Police Bribery Cases : ગુજરાત પોલીસે મંગળવારે એક વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદમાં 10 ટ્રાફિક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, જેમાં દિલ્હીના કનવ મનચંદા નામના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસકર્મીઓ દ્વારા તેની પાસે 20,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. રવિવારે જ્યારે તે ICC વર્લ્ડ કપની ફાઈનલ જોવા જઈ રહ્યો હતો ત્યારે તેની કારમાં દારૂની બોટલ હતી.
ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ યોગ્ય લાયસન્સ વિના દારૂનું વહન કે સેવન કરવું ગેરકાયદેસર છે.
વીડિયોમાં મનચંદા આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે કે, ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેને નાના ચિલોડા સર્કલ પાસે રોક્યો અને પૂછ્યું કે, શું તેની કારમાં દારૂ છે. જ્યારે તેણે કહ્યું કે, તેની પાસે એક સીલબંધ બોટલ છે, ત્યારે “ચાર કે પાંચ પોલીસકર્મીઓ” તેને “પરેશાન” કર્યો, અને તેમના વાહનમાં બેસાડીને લઈ ગયા. તેણે દાવો કર્યો કે, તેઓએ પહેલા 2 લાખ રૂપિયાની માંગણી કરી અને અંતે 20,000 રૂપિયા લઈ છોડી દેવા માટે સંમત થયા, જે તેણે UPI દ્વારા ચૂકવ્યા હતા.
પોલીસ રોયલ મોબાઈલ એસેસરીઝના અરુણ ભરતસિંહ હડિયોલને શોધી રહી છે, જેણે યુપીઆઈ દ્વારા પૈસા મેળવ્યા હતા.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક ઈસ્ટ-અમદાવાદ સિટી) સફીન હસને મીડિયાકર્મીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કનવ મનચંદાને ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ અટકાવ્યો હતો, જેમણે તેમની પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા લીધા હતા. અમદાવાદ પોલીસને મીડિયા તરફથી એક વીડિયો મળ્યો હતો, મનચંદાએ પોલીસનો સંપર્ક કર્યો ન હતો. ટ્રાફિક ડિવિઝન સીને કેસ સોંપવામાં આવ્યો છે.
હસને વધુમાં કહ્યું, “અમે એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત, સાત TRB (ટ્રાફિક બ્રિગેડ) કર્મચારીઓ, જેઓ આ કૃત્યમાં સામેલ હતા, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”
કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અગ્રાવતને તેમની ટીમ સાથે મનચંદાને મળવા માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે કે, તેઓ આ મામલે ફરિયાદ નોંધાવવા માગે છે કે કેમ, તેમણે ઉમેર્યું હતું.
હસને કહ્યું કે, “(મનચંદાના) વાહનને સવારે 10.30 વાગ્યે અટકાવવામાં આવ્યું હતું અને સવારે 11.09 વાગ્યે, અમને નાણાકીય વ્યવહારનો સ્ક્રીનશોટ મળ્યો હતો. પૈસા મેળવનાર અરુણ હડિયોલની પૂછપરછ કરવામાં આવશે.”
તેમણે ઉમેર્યું, “પોલીસકર્મીઓ (જેઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે)એ બોડીવર્ન કેમેરા પહેર્યા ન હતા. તેઓએ તેમના ઉપરી અધિકારીઓને (ઘટનાની) જાણ કરવી જોઈતી હતી, પરંતુ તેઓએ તેમ ન કર્યું.”
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની ઓળખ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ બહાદુરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ રામસિંહ અને તુષાર ભરતસિંહ તેમજ ટીઆરબીના જવાન જયેશ મણિચંદ્ર, નિતેશ ભટ્ટ, પ્રકાશસિંહ ઝાલા, યુવરાજસિંહ રાઠોડ, વિજય ગિરીશ પરમાર અને ધનજીશભાઈ ધનજીભાઈ તરીકે થઈ છે.





