આજે 9 જુલાઈ બુધવારના રોજ વડોદરામાં એક મોટી દુર્ઘટના બની. અહીં મહિસાગર નદી પર બનેલો પુલ સવારે લગભગ 7:30 વાગ્યે તૂટી પડ્યો. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ પુલ મધ્ય ગુજરાતને રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્ર સાથે જોડે છે. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો, જેની સમયાંતરે જાળવણી કરવામાં આવતી હતી.
આ પુલ મહિસાગર નદી પર બનાવવામાં આવ્યો હતો. તે લગભગ 40 વર્ષ પહેલાં 1985માં બનાવવામાં આવ્યો હતો. આ પુલની લંબાઈ 900 મીટર છે. આખો પુલ 23 થાંભલાઓના ટેકે ઉભો છે. તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. પોલીસ અધિક્ષક (વડોદરા ગ્રામીણ) રોહન આનંદે જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 7:30 વાગ્યે પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અને પુલ બાંધકામમાં નિષ્ણાત ખાનગી ઇજનેરોની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પુલ તૂટી પડવાના કારણો અને અન્ય તકનીકી પાસાઓની પ્રાથમિક તપાસ કર્યા પછી અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી જાનમાલનું નુકસાન અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

ઈજાગ્રસ્તોની યાદી
- સોનલબેન રમેશભાઈ પઢિયાર, (ઉં.વ. 45, ગામ-દરિયાપુરા)
- નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, (ઉં.વ. 45, ગામ-દહેવાણ)
- ગણપતસિંહ ખાનસિંહ રાજુલા (ઉં.વ. 40, ગામ-રાજસ્થાન)
- દિલીપભાઈ રામસિંહ પઢિયાર (ઉં.વ. 35, ગામ-નાની શેરડી)
- રાજુભાઈ ડુડાભાઇ (ઉં.વ. 30, ગામ-દ્વારકા)
- રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, (ઉં.વ. 45, ગામ-દેવાપુરા)
મૃતકોની યાદી
- વૈદિકા રમેશભાઈ પઢીયાર (ગામ-દરિયાપુરા )
- નૈતિક રમેશભાઈ પઢીયાર (ગામ-દરિયાપુરા)
- હસમુખભાઈ મહીજીભાઈ પરમાર (ગામ-મજાતણ)
- રમેશભાઈ દલપતભાઈ પઢીયાર (ઉં.વ. 32, ગામ-દરિયાપુરા)
- વખતસિંહ મનુસિંહ જાદવ (ગામ-કાન્હવા)
- પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ (ઉં.વ. 26, ગામ-ઉંડેલ)
- અજાણ્યા ઇસમ
- અજાણ્યા ઇસમ
- અજાણ્યા ઇસમ