Ambaji Bhadravi Poonam Mahamelo 2024 : અંબાજી માં ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરને લઈટોથી જગમગાટ કરી શણગારવામાં આવ્યું છે. ભારતભરમાંથી ભાદરવી પૂનમે ભક્તો દર્શન માટે પગપાળા આવી પહોંચશે. તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બર 2024 ભાદરવી પૂનમ છે, પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા શરૂ થઈ ગયા છે. રસ્તાઓ બોલ ‘મારી અંબે, જય જય અંબે’ ના નાદથી ગુંજી રહ્યા છે. તો જોઈએ અંબાજી મંદિરની કેટલીક જાણી અજાણી વાતો.
અંબાજી શક્તિપીઠોમાં શીરમોર સમાન, મા નું હૃદય અહીં પડ્યું હતું
ઉલ્લેખનીય છે કે, અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર- ચુડામણીમાં આ ૫૧ શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડ્યું હતું.
અંબાજી મંદિર બેઠા ઘાટનું, અહી વિસા યંત્રની પૂજા થાય છે
અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસા યંત્રની પૂજા થાય છે. આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે.
અંબાજી માં યંત્ર કર્મ પૃષ્ઠવાળુ સોનાનું અને એકાવન અક્ષર છે, આઠમે જ યંત્રની પૂજા થાય છે
આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોક વાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.
અંબાજી મંદિરમાં મા અંબાના સવાર, બપોર, અને સાંજે ત્રણ સ્વરૂપ હોય છે
માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે.
મા અંબા ની સાતે દિવસ અલગ અલગ સવારી હોય છે
માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.
અંબાજી, ભાદરવી પૂનમ તારીખ, દર્શન અને આરતી સમય
અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો સાત દિવસ ચાલશે, ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે. લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવશે તો, તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાદરવા સુદ પૂનમ છે. તો જોઈએ સાત દિવસના મેળાની તારીખ, દર્શન અને આરતી સમય.

પોષી પૂનમ પ્રાગટ્ય દિવસ, ભાદરવી પૂનમે મેળો
પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે.
અંબાજી મંદિરનો વહીવટ પહેલા દાંતા ના રાજા કરતા હતા
અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા ૧૯૮૫થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે.
આ પણ વાંચો – Gujarat Monsoon Rain: ગુજરાત વરસાદ: ભરૂચમાં આભ ફાટ્યું, 18 ઇંચ વરસાદ થી જળબંબાકાર, વાહન પાણીમાં તણાયા
અંબાજી મંદિરમાં માતાજીની આરતી, પૂજાનો હક સિદ્ધપુરના ભટ્ટજી પરિવાર પાસે
અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.