Arjun Modhwadia Interview : અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ‘પાર્ટી ચલાવવી એ પાર્ટ ટાઈમ જોબ નથી, વિપક્ષોએ આત્મનિરીક્ષણની જરૂર’

Arjun Modhwadia Interview : કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે પોરબંદર થી ભાજપના વિધાનસભા પેટાચૂંટણી ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં નવી પાર્ટી અને નવા રાજકીય માર્ગ વિશે પ્રતિક્રિયા આપી.

Written by Kiran Mehta
April 08, 2024 13:14 IST
Arjun Modhwadia Interview : અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ‘પાર્ટી ચલાવવી એ પાર્ટ ટાઈમ જોબ નથી, વિપક્ષોએ આત્મનિરીક્ષણની જરૂર’
અર્જુન મોઢવાડિયા ઈન્ટરવ્યુ (ફોટો - X/ @arjunmodhwadia)

ગોપાલ કટેશીયા | Arjun Modhwadia Interview : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP) ના નેતા રહી ચૂકેલા પીઢ રાજકારણી અર્જુન મોઢવાડિયા તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. તેઓ હવે પોરબંદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે, જે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે તેમની પૂર્વ પાર્ટીની સમસ્યાઓ અને તેમના નવા રાજકીય માર્ગ વિશે વાત કરી.

તમારા પક્ષ પરિવર્તન અંગે સ્થાનિક ભાજપના નેતાઓ અને પોરબંદરના લોકોની પ્રતિક્રિયા શું છે?

જ્યારે વ્યક્તિ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાય છે ત્યારે, સ્વાભાવિક રીતે થોડો વિરોધ થશે. એ માનવ સ્વભાવ છે. હું વર્ષો સુધી સંપૂર્ણ ઈમાનદારી સાથે ભાજપ સામે લડાઈ લડ્યો. પણ મને અને પૂરા રાજ્યને એ જોઈને આશ્ચર્ય થયું કે, તેમણે મારું ઈમાનદારી અને પ્રેમથી સ્વાગત કર્યું. જાહેરમાં કે ખાનગી રીતે કોઈ વિરોધ થયો નથી. કારણ કે પોરબંદરની જનતા અને ભાજપને પાર્ટી નેતૃત્વ દ્વારા લેવામાં આવતા નિર્ણયોમાં ઊંડો વિશ્વાસ છે.

એટલુ જ નહી, એક પછી એક ચૂંટણીમાં મારા પ્રતિસ્પર્ધી એવા પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાએ પણ મારું સ્વાગત કર્યું છે. તેનું કારણ એ છે કે, એક રાજકીય કાર્યકર્તા લોકોના જીવનમાં શું પરિવર્તન લાવી શકે તે વિશે વિચારે છે. પદ, પ્રતિષ્ઠા વગેરે અન્ય બાબત છે.

જ્યારે મોદી (ગુજરાતના) મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળતા પણ મેળવી. હવે તે દેશમાં પણ આવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું તમને લાગે છે કે ભાજપનું સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’ વિરોધ પક્ષો દ્વારા જીતેલા મતવિસ્તારોમાં લાગુ પડે છે?

મારા અનુભવમાં નથી. જ્યારે પણ હું નાના-મોટા મુદ્દાઓ લઈને સરકારમાં આવ્યો છું, ત્યારે કોઈએ મને ‘ના’ કહ્યું નથી, પરંતુ જો કોઈ મોટું પરિવર્તન લાવવા ઈચ્છે છે, તો સ્વાભાવિક છે કે, બંને સરકારો (રાજ્ય અને કેન્દ્ર) ઈચ્છે છે, પોતાની બાજુ થી. ઉદાહરણ તરીકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લો. જ્યારે નરેન્દ્રભાઈ દિલ્હી ગયા અને ગુજરાતમાં ભાજપની સરકાર રહી ત્યારે તેને બૂસ્ટર ડોઝ મળ્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી વાસ્તવિકતા બની કારણ કે (કેન્દ્ર) સરકારે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. અમે પ્રોજેક્ટની મજાક ઉડાવતા. પરંતુ આજે દર વર્ષે 60 લાખ પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે. હું પોતે રણ ઉત્સવની મજાક ઉડાવતો કે, રણ ઉત્સવમાં કોણ કાર્નિવલ માટે જશે? પરંતુ ધોરડો ગામે આજે (કચ્છમાં રણ ઉત્સવનું સ્થળ) તાજેતરમાં વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામનો એવોર્ડ જીત્યો છે.

અમદાવાદમાં જ્યારે સાબરમતી આશ્રમ વિકસાવવામાં આવ્યો ત્યારે તે 165 એકરમાં ફેલાયેલો હતો. તે ઘણો મોટો આશ્રમ હતો પરંતુ, જે લોકો તેનું કામકાજ સંભાળતા હતા તેઓ જમીન વેચતા રહ્યા અને આજે તે ઘટીને માત્ર પાંચ એકર થઈ ગઈ છે. તાજેતરમાં નરેન્દ્રભાઈએ સાબરમતી આશ્રમ સંકુલને વિકસાવવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. મોદી સાહેબ માટે પણ, જો તેઓ ત્યાં (દિલ્હીમાં) ન હોત તો આ શક્ય બન્યું ન હોત. દેખીતી રીતે, વિપક્ષ સરકારની નીતિઓમાં ફેરફાર માટે દબાણ કરી શકે નહીં, પરંતુ એવું ક્યારેય ન થવું જોઈએ કે, તમારા મતવિસ્તારમાં નાના કામો અવરોધિત થાય. પરંતુ જો તમારે નીતિ બદલવી હોય તો, તમારે સત્તા મેળવવી પડશે અથવા સત્તામાં ભાગીદાર બનવું પડશે.

કોંગ્રેસમાં હતા ત્યારે તમે ઓક્ટોબર 2023 માં પોરબંદરમાં વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો

પોરબંદરના હિતમાં મેં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મેં તે સમયે મારું મન (ભાજપમાં જોડાવાનું) બનાવ્યું ન હતું. સમસ્યા એ હતી કે સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને અહેમદ પટેલની ગેરહાજરીથી પાર્ટીમાં ખાલી પડેલી ખાલીપો, તે રાજ્ય એકમમાં કોઈ સમસ્યાને કારણે નહોતી. પરંતુ દિલ્હીમાં, બિન-રાજકીય લોકો દ્વારા નિર્ણયો લેવામાં આવે છે – જેમણે પોતે ચૂંટણી લડી નથી અથવા અન્યને ચૂંટણી લડવા નથી આપી – જેમણે ક્યારેય પાયાના સ્તરે કામ કર્યું નથી, અથવા લોકોની સમસ્યાઓ સમજી નથી. તેમણે પાર્ટીને માત્ર એટલા માટે કબજે કરી છે કારણ કે, તેમણે કોઈ ચોક્કસ સંસ્થામાં અભ્યાસ કર્યો છે, અથવા મોટા વ્યક્તિઓ સાથે ખભાથી ખભો મિલાવી બસ માત્ર ચાલી રહ્યા છે, અથવા સારી વકતૃત્વ અને ડ્રાફ્ટિંગ કુશળતા ધરાવે છે.

જેના કારણે કોંગ્રેસે વિધાનસભામાં વિરોધ પક્ષનો પણ દરજ્જો ગુમાવી દીધો છે. વાસ્તવમાં હવે પાર્ટી યુનિટના અસ્તિત્વ પર જ એક મોટું પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે. મેં સાત-આઠ વર્ષ સુધી પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો પરંતુ, કંઈ થયું નહીં, જ્યારે મારા જેવા અસંખ્ય લોકોએ પાર્ટી છોડી દીધી. કાર્યકરો અને નેતાઓ વચ્ચેના સંબંધો તુટી ગયા છે.

છેલ્લો સ્ટ્રો શું હતો?

(રાજકીય) પાર્ટી ચલાવવી એ પાર્ટ ટાઈમ જોબ ન હોઈ શકે. માત્ર જાહેર સભાને સંબોધવા અને મોદીની ટીકા કરવાથી તમને ફાયદો નથી થતો. તમારે લોકોને તમારી તરફ આકર્ષિત કરવા પડશે અને તેમની સાથે જોડાવું પડશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક અંગે કોંગ્રેસનું વલણ તેનું ઉદાહરણ છે. લોકોની લાગણી શું છે તેની તમને કોઈ પરવા નથી. અહીં એક દૃશ્ય છે, જેમાં તમે તમારા કાર્યકરો સાથે પણ જોડાતા નથી, તમારા નજીકના સહયોગીઓ સાથે પણ નહીં. તેઓ ઓળખી શકતા નથી કે, કોણ શક્તિશાળી છે અને કોણ નથી. તેઓ ઘોડા પરથી ગધેડો કહી શકતા નથી. તેથી, આવી શ્રેણીબદ્ધ ઘટનાઓ હતી, જેની વિગતોમાં હું જવા માંગતો નથી. મને લાગ્યું કે, હું પરિસ્થિતિ બદલી શકીશ નહીં. આવા સંજોગોમાં, જો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ (શાહ) જેવા કોઈ વ્યક્તિ હોય, જેમની સામે હું પક્ષ (કોંગ્રેસ) પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ઘણા વર્ષોથી લડ્યો છું, તો પણ તેમણે તેમની પાર્ટીમાં જોડાવાનું હાર્દિક આમંત્રણ આપ્યું, નથી લાગતું કે કોઈ એવું કરવા માંગશે. ગૂંગળામણભર્યા વાતાવરણમાં રહેવુ તેના કરતા આગળ વધતા રહેવું સારૂ.

2022 ની ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા, મેં (કોંગ્રેસ) નેતૃત્વને ચેતવણી આપી હતી કે, ગુજરાતમાં આપણે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છીએ. ધારણા એવી હતી કે, કોંગ્રેસ ક્યાંય નથી, અને આ બદલવાની જરૂર છે. જો કે, ત્યાં હાજર રહેલા એક ખૂબ જ વરિષ્ઠ નેતાના સહયોગીએ મને કહ્યું કે, ચૂંટણી લડતા પહેલા હું જ હાર માની રહ્યો હતો.

ભાજપમાં જોડાયા બાદ અનેક વિપક્ષી નેતાઓ સામેના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, તમે તેને કેવી રીતે જોશો?

કેસોનો નિર્ણય સરકાર દ્વારા નહીં પરંતુ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. બીજું, લોકો આરોપ લગાવી રહ્યા છે કે, ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), સીબીઆઈ, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વગેરેને હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ભારત અને ગુજરાત જાણે છે કે, હું વિપક્ષમાં હતો ત્યારે ખૂબ જ આક્રમક નેતા હતો. પરંતુ ED એ મને ક્યારેય પરેશાન નથી કર્યો કે, મેં ક્યારેય CBI કે IT અધિકારીઓના ચહેરા જોયા નથી. એક પોલીસ કોન્સ્ટેબલે પણ ક્યારેય મારો દરવાજો ખખડાવ્યો નથી. આગ વગર ધુમાડો ન થઈ શકે. જો તમે દારૂની પોલિસીમાં પૈસા લીધા હોય તો, તમારે જેલ જવા તૈયાર રહેવું જોઈએ.

પેટાચૂંટણીનો પ્રચાર કરતી વખતે તમે પોરબંદરની જનતાને તમારા હૃદય પરિવર્તન વિશે કેવી રીતે સમજાવશો?

વાસ્તવમાં, હું મારા લોકોના ખૂબ દબાણ હેઠળ હતો, જેઓ મને કહેતા હતા કે, મારી ઉર્જાનો ત્યાં (કોંગ્રેસમાં) ઉપયોગ નથી થઈ રહ્યો, પરંતુ તેનો અહીં (ભાજપમાં) સારો ઉપયોગ થશે. તે અહીં મજબૂત છે કારણ કે તે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા પર શાસન કરે છે અને પોરબંદર લોકસભા બેઠક પણ ધરાવે છે તે હકીકત પરથી સ્પષ્ટ થાય છે. કોંગ્રેસને જે પણ ટેકો હતો, તે મારા કારણે હતો. જો મેં આ નિર્ણય ન લીધો હોત તો લોકો નિરાશ થયા હોત.

શું તમે કોંગ્રેસના ભાગ તરીકે ચૂંટણી લડ્યા તેની સરખામણીમાં અત્યારે તમને કોઈ ફરક દેખાય છે?

કોંગ્રેસમાં ઉમેદવારોએ ઘણી તૈયારી કરવી પડે છે. પરંતુ ભાજપમાં ઉમેદવારો કરતાં વધુ કાર્યકરો તૈયાર છે. આ મૂળભૂત તફાવત છે. અને પેજ પ્રમુખથી લઈને બીજેપીના અખિલ ભારતીય અધ્યક્ષ સુધીના આદેશનો વંશવેલો ખૂબ જ સારી રીતે રચાયેલ છે. ઉપરાંત, જવાબદારીઓ સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. અને, તે બધા પર નજર રાખવા માટે પણ એક ટીમ છે.

શું તમને વિશ્વાસ હતો કે, ભાજપ તમને ટિકિટ આપશે?

ભાજપ પોતાના દરેક કાર્યકર્તાને અમુક કામ આપે છે. તેથી, હું આશા રાખતો હતો કે, તે મને કંઈક તો ફાળવશે. એવું ન હતુ કે, ભાજપ મારા વિના કંઈ કરી શકે નહીં. તેમએ ભૂતકાળમાં પણ તમામ 26 (ગુજરાતની લોકસભા બેઠકો) જીતી છે અને આ વખતે પણ તે તેનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. તેણે 182 વિધાનસભા બેઠકોમાંથી 156 (ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં) જીતી અને તે સંખ્યામાં વધુ ચાર-પાંચ બેઠકો ઉમેરશે.

ભાજપના નેતાઓ પર બાબરી મસ્જિદના ધ્વંસ અને 2002 ના ગુજરાત રમખાણો દરમિયાન થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.

તોફાનીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આવું ત્યારે થયું જ્યારે અહીં ભાજપની સરકાર હતી. કોઈ કોઈને કાયદો પોતાના હાથમાં લેવાનું કહેતું નથી. સત્ય એ છે કે રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થયું છે. મોદી 10 વર્ષ પહેલા પીએમ તરીકે ચૂંટાયા હતા પરંતુ, તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું અને જજમેન્ટની રાહ જોઈ. આ પહેલા તેઓ ત્યાં દર્શન માટે પણ ગયા ન હતા. દેશનો કોઈ રાજકીય પક્ષ ક્યારેય સાંપ્રદાયિક રમખાણોમાં ભાગ લેતો નથી કે સમર્થન પણ કરતો નથી.

વિચારધારા, વફાદારી, શક્તિ – તમે આને કયા ક્રમમાં ગોઠવશો?

ત્રણેય એક સાથે ચાલે છે. બાય ધ વે, વિચારધારાથી અમારો શું અર્થ છે? આપણે બધાએ લોકોનું જીવન સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે તે તમારી રીતે કરી શકો છો, અને હું મારી રીતે કરીશ. ઉદાહરણ તરીકે, હું મહાત્મા ગાંધીને માન આપું છું. પરંતુ ગાંધીવાદી આદર્શોની પાછળ છુપાયેલા ઢોંગીઓએ સાબરમતી આશ્રમ કેમ ન વિકસાવ્યો?

જ્યારે તમારા જેવા વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાય છે, ત્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષોને શું સંદેશ છે?

જો કોઈ સંદેશ હોય તો તે આત્મનિરીક્ષણનો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ