Arvind Kejriwal Gujarat Visit : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાતમાં મોટી જાહેરાત કરી છે. ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે.
સભા દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે આજે હું જાહેરાત કરવા માંગું છું કે આમ આદમી પાર્ટી તરફથી આવનાર લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. આજે આખું ગુજરાત ચૈતર વસાવા સાથે ઉભું છે. આ લડાઇ ચૈતર વસાવાની લડાઇ નથી તમારા ઇજ્જત, તમારા માન-સ્વાભિમાનની લડાઇ છે. આદિવાસી સમાજની માન સન્માનની લડાઇ છે. જો આજે તમે ચૂપ રહ્યા, બેસી રહ્યા તો ભાજપનો આત્મવિશ્વાસ બુલંદ થઇ જશે. કાલે કોઇ આદિવાસી સમાજનો યુવો ઉભો થશે તો તેને કચડી નાખવામાં આવશે. આપણે ચુપ રહેવાનું નથી.
કેજરીવાલની આ જાહેરાતથી ઇન્ડિયા ગઠબંધનમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનની સીટ વહેંચણી થાય તે પહેલા જ આપે ગુજરાતની ભરુચ બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો – વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પહેલીવાર 21 દેશો ગુજરાત સરકાર સાથે પાર્ટનર બનશે
અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે. આ પછી સોમવારે સવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે. તેમની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.
ચૈતર વસાવાએ વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.





