Bagodara Accident : ગુજરાત સહિત દેશભરમાં અકસ્માતની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં બગોદરા હાઈવે પર એક કાર અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. બુધવારે રાત્રે બગોદરા હાઇવે પર એક ઓવરસ્પીડ કાર કથિત રીતે ચાલતી ટ્રકની પાછળ ઘુસી જતા બે વ્યક્તિના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બગોદરા હાઈવે પર કાર અચાનક ઓવર સ્પીડમાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. પોલીસ અનુસાર, મૃતકોની ઓળખ રવિરાજ સિંહ (32) અને દેહરાજ સિંહ (22) તરીકે થઈ છે, જેઓ કારમાં આગળ બેઠેલા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. કારના અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બગોદરા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે, “આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. કાર ઓવરસ્પીડ થઈ અને ટ્રક સાથે અથડાઈ હતી, અમે ઘાયલોના નિવેદનો નોંધી રહ્યા છીએ અને ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”
ગોરખપુરમાં પાર્ક કરેલી બસ પાછળ ટ્રક ઘુસી ગઈ, અકસ્માતમાં 6 ના કરૂણ મોત
ગોરખપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર નજીક સર્જાયેલા આ અકસ્માતમાં છ લોકોના કરુણ મોત થયા હતા. એક ફૂલ સ્પીડે આવી રહેલી ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 26 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત મોડી રાત્રે લગભગ 11 વાગે થયો હતો. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં 10 મુસાફરોની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક બસમાં બ્રેક ડાઉન થયા બાદ મુસાફરો બીજી બસમાં બેસી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ગોરખપુરથી કોન્ટ્રાક્ટવાળી બસ કુશીનગરથી પાદરાના જઈ રહી હતી. દરમિયાન જગદીશપુરના માલપુર પાસે બસનું ટાયર પંચર થઈ ગયું હતું. ડ્રાઈવર બસને રોકીને તેના પેસેન્જરને બીજી બસમાં ખસેડી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે તેને ટક્કર મારી.
આ પણ વાંચો – Accident Video : પાંચ સેકન્ડમાં બે વાર મૃત્યુનો સામનો, છતાં જીવ બચ્યો, તમે પણ બોલી ઉઠશો, ‘રામ રાખે તેને કોણ ચાખે’
બસમાં ભાઈ બહેન પણ મુસાફરી કરી રહ્યા હતા. બંને બી.ટેકના વિદ્યાર્થીઓ હતા. ભાઈ ઝાંસીથી B.Tech કરી રહ્યા હતો, જ્યારે બહેન રાયબરેલીથી B.Tech કરી રહી હતી. આ અકસ્માતમાં ભાઈનું મોત થયું હતું. બહેન ગંભીર રીતે ઘાયલ છે. મૃત્યુ પામેલા પૈકી બેની ઓળખ હજુ થઈ નથી. જેમની ઓળખ કરવામાં આવી રહી છે, તેમાં શૈલેષ પટેલ (25), સુરેશ ચૌહાણ (35) રહેવાસી તુર્કપટ્ટી, કુશીનગર, નીતેશ સિંહ (25) રહેવાસી મદરહા, હટા કુશીનગર, હિમાંશુ યાદવ (24) નિવાસી મિશ્રીપટ્ટી પાદરાના, કુશીનગરનો સમાવેશ થાય છે.





