બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. મામલામાં ગુજરાત સરકારે 11 દોષિતોને છોડી મુકવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું કે 11 દોષિતોએ જેલમા 14 વર્ષની સજા પુરી કરી લીધી હતી. તેમનો વ્યવહાર પણ સારો જોવા મળ્યો છે. આ પછી તેમને છોડવાનો નિર્ણય કરવામાં આવ્ચો છે.
જોકે સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે તેમને છોડવાનો પોલીસ અધિક્ષક, સીબીઆઈ, મુંબઈ અને સીબીઆઈના વિશેષ ન્યાયધીશે વિરોધ કર્યો હતો.
આ મામલે રાજ્ય સરકારે કોર્ટ દ્વારા નિર્દેશિત 1992ની નીતિ અંતર્ગત પ્રસ્તાવો ઉપર પણ વિચાર કર્યો છે. આ રિહાઇ નિયમ પ્રમાણે થઇ છે. અરજીકર્તાનું એ કહેવું ખોટું છે કે આ લોકોને આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે સજામાં છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો – PM મોદી રાજકોટમાં 4309 કરોડ જ્યારે મોરબીમાં 2738 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સીબીઆઈની એક વિશેષ અદાલતે 11 દોષિતોને 21 જાન્યુઆરી 2008ના રોજ સામૂહિક બળાત્કાર અને બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવી હતી. ગોધરા પછી થયેલા રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડામાં 3 માર્ચ 2002ના રોજ ભીડ દ્વારા બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
આ મામલે દોષિત સાબિત થયેલા 11 લોકોને 15 ઓગસ્ટના રોજ ગોધરા ઉપ-જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે પોતાની છૂટ નીતિ અંતર્ગત મંજૂરી આપી હતી.