Rain in Gujarat after biparjoy : બિપરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાયા બાદ વિનાશવેરીને રાજસ્થાન ગયું છે ત્યારે બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતનું હવામાન બદલાઈ ગયું છે. જેના પગલે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો ભારે વરસાદના કારણે જળબંબાકાર થયો હતો. બનાસકાંઠાના અમિરગઢમાં સૌથી વધારે 8.26 ઇંચ ખાબક્યો હતો. જ્યારે 6.72 ઇંચ સાથે દાંતા તાલુકો બીજા નંબર રહ્યો હતો.
109 તાલુકામાં સૌથી વધારે અમીરગઢમાં 8.26 ઇંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8. 26 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દાંતામાં 6.72 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના દાંતીવાડામાં 6 ઇંચ, પાલનપુરમાં 5.44 ઇંચ, પાટણના સાંતલપુર, બનાસકાંઠા, રાધનપુરના ડીસામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દીઓદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ, સરસ્વતી, વાવ, વડગામ, સિધ્ધપુર, થરાદમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, સામીજ, કરંજ, વિજયનગર, લાખાણીમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં વરસાદના પગલે ધરોઈ ડેમની જળસપાટી 603 ફૂટ પહોંચી
ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદના પગલે મહેસાણમાં આવેલા ધરોઈ ડેમમાં પણ પાણીની નવી આવક થઈ હતી. આ સાથે જ ડેમમાં 12,222 ક્યૂસેક પાણીની આવક વધતા ધરોઈ ડેમની જળસપાટી 603.37 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ડેમમાંથી હાલ 50 ક્યુસેક પાણીની જાવક થઇ છે.
બિપરજોય બાદ બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકાર
કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ બાદ બનાકાંઠામાં પણ બે-ત્રણ દિવસ સતત વરસાદ ખાબક્યો હતો. ત્યારે બિપરજોય રાજસ્થાન પહોંચતા ત્યાં પણ ભારે વરસાદ પડવાના કારણે બનાસકાંઠામાં આવેલી રેલ નદીમાં પાણીની નવી આવક આવતા ઓવરફ્લો થઈ હતી. આ સાથે ભારે વરસાદના કારણે બનાકાંઠાના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા હતા. કચ્છ અને સૌરાષ્ટ્ર બાદ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પણ જોવા મળી હતી. ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘૂસ્યા હતા.
ધાનેરા શહેરના વેપારીઓને એલર્ટ કરાયા
આ ઉપરાંત રાજસ્થાનના જેતપુરા ડેમના દરવાજા ખોલાતા રેલ નદી બે કાંઠે વહી રહી છે. વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપ પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેલ નદીને લઈને ધાનેરા શહેરના વેપારીઓને એલર્ટ કરાયા છે. ધાનેરાના તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રેલ નદીના પટમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા સૂચના અપાઇ છે. રાજસ્થાનનો જેતપુરા ડેમ 2.90 મીટર ભરાયો ગયો છે જોકે ડેમની કેપેસીટી 3.50મીટર છે..હાલ ડેમના 4થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડાના પગલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આજે રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.





