ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ, બંદરો માટે કેટલા વોર્નિંગ સિગ્નલ હોય છે અને તેમનો અર્થ જાણો

Biparjoy Cyclone port warning signals : ચક્રવાત બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે તમામ બંદરો માટે હવામાન વિભાગ દ્વારા ભયજનક સિગ્નલો આપવામાં આવ્યા છે. બંદરો માટે કેટલા વોર્નિંગ સિગ્નલો હોય છે અને દરેક સિગ્નલનો શું અર્થ છે, જાણો

Written by Ajay Saroya
Updated : June 12, 2023 17:56 IST
ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ, બંદરો માટે કેટલા વોર્નિંગ સિગ્નલ હોય છે અને તેમનો અર્થ જાણો
10 warning signals post on candla post due to Biparjoy Cyclone.

Biparjoy Cyclone port warning signals Meaning : બિપરજોય નામનું ચક્રવાત મોટી આફત બનીને ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. ચક્રવાતની અસરે ગુજરાતના દરિયામાં કરંટ આવ્યો છે અને મોટા મોજા ઉછળી રહ્યા છે. જેને લઇને હવામાન વિભાગ વહીવટીતંત્રે ગુજરાતના તમામ બંદરો પર ભયજનક સંકેતો આપી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકિનારા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બંદરો પર આપવામાં આવતા પ્રત્યેક સિગ્નલનો એક મોટો અર્થ હોય છે અને તે સમજવો બહુ જરૂરી હોય છે. હવામાન વિભાગ દ્વારા બંદરો પર 1થી 11 સુધીના વિવિધ સિગ્નલો આપવામાં આવે છે.

ચક્રવાત બિપરજોય ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે

ચક્રવાત બિપરજોય અત્યંત ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનમાં તબાહી મચાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત બુધવારે સવાર સુધીમાં ઉત્તર તરફ આગળ વધશે, ત્યારબાદ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને જખૌ બંદર નજીક માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે પાકિસ્તાનના દરિયા કિનારે ગુરુવારે બપોર સુધીમાં 125-135 કિમી પ્રતિ કલાકના ઝડપી પવન સાથે ભયંકર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લેશે.

ગુજરાતના વિવિધ બંદરો પર ભયજનક સિગ્નલો

ચક્રવાત બિપરજોયને લઇને ગુજરાતના તમામ નાના-મોટા બંદરો પર ભયજનક સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. જેમાં કચ્છના કંડલા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મુન્દ્રા અને માંડવી બંદરો પર સિગ્નલ 9 પણ લગાવવામાં આવ્યા છે.

ચક્રવાતના કેટલાક વોર્નિંગ સિગ્નલ શું છે, તેનો શું અર્થ હોય છે?

તમારી જાણકારી માટે તમને જણાવી દઇયે કે, ચક્રવાત વાવાઝોડાની ચેતવણી આપવા માટે બંદરો પર વોર્નિંગ સિગ્નલ હંમેશા હાજર હોય છે, જેથી સમુદ્રમાં જહાજોને તરત જ એલર્ટ કરી શકાય. આ માટે, કેટલાક દેશોમાં ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે ભારતમાં દિવસ અને રાત માટે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસના સંકેતોમાં સિલિન્ડરો અને શંકુ હોય છે જ્યારે રાત્રિના સંકેતોમાં લાલ અને સફેદ લેમ્પ હોય છે. ‘સાયક્લોન સિગ્નલ’ નો સામાન્ય અર્થ નજીક આવી રહેલા ચક્રવાત વાવાઝોડા સંબંધિત સંકેત છે. ભારતમાં સાયક્લોન સિગ્નલને 11 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેની સંખ્યા 1 થી 11 છે, જે તમામ બંદરો પર નજીક આવી રહેલા ચક્રવાત માટે જહાજોને આગોતરી ચેતવણી આપે છે.

બંદરો પર ક્યારે અને કેટલી વખત વોર્નિંગ સિગ્નલ બદલાય છે?

હવામાન વિભાગ સામાન્ય રીતે બંદરો પર દિવસમાં ચાર વખત અને ચક્રવાત તોફાનના કિસ્સામાં દર ત્રણ કલાકમાં એકવાર સૂચનાઓ મોકલે છે. સિગ્નલ નંબર 9 એ ખૂબ જ ખતરનાક ચેતવણી મનાય છે, જેનો અર્થ છે કે અત્યંક ગંભીર સ્વરૂપે ચક્રવાત બંદરની જમણી તરફથી આગળ વધશે.

વાવાઝોડા માટેના 1 થી 11 વોર્નિંગ સિગ્નલ અને તેમનો અર્થ

સિગ્નલ 1 : તે સમુદ્રથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારને લાગુ પડે છે જ્યાં સપાટી પરના પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક હોય છે. આ સિગ્નલનો અર્થ એ છે કે બંદરને અસર થશે નહીં, પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે.

સિગ્નલ 2 : 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતાના કારણે સમુદ્રથી દૂર ડિપ્રેશન સર્જાયું છે. આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવાનો સંકેત આપે છે.

સિગ્નલ 3 : સિગ્નલ 3નો મતલબ કે ઉંડું ડિપ્રેશન ઉભુ થઇ રહ્યું છે અને તે પોર્ટને અસર કરે તેવી શક્યતા છે. 40-50 કિમી પ્રતિ કલાકના ઝડપી પવન સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે.

સિગ્નલ 4 : સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સંકેત દર્શાવે છે કે બંદર પર ઉભેલા જહાજો પર ખતરો છે. પોર્ટ પર ખરાબ હવામાન માટે સિગ્નલ 3 અને 4નો ઉપયોગ કરવામાં આવે છે.

સિગ્નલ 5 : ચક્રવાત વાવાઝોડામાં ડીપ ડિપ્રેશનનો સંકેત આપતો આ સિગ્નલ સૂચવે છે કે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન બંદરની ડાબી તરફથી દરિયાકાંઠાને પાર કરી શકે છે.

સિગ્નલ 6 : સિગ્નલ 5 જેવું જ છે, પરંતુ તે સંકેત આપે છે કે વાવાઝોડું બંદરની જમણી તરફથી કિનારાને વટાવી જશે.

સિગ્નલ 7 : સિગ્નલ- 7નો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે. સિગ્નલ 5, 6 અને 7 બંદરો માટે જોખમના સંકેત આપે છે.

સિગ્નલ 8 : આ ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત હવે ખૂબ જ ગંભીર છે અને બંદરની ડાબી તરફથી આગળ વધશે. આ વાવાઝોડામાં પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.

આ પણ વાંચોઃ Cyclone Biparjoy Alert: સાયક્લોન બિપરજોય વાવાઝોડા દરમિયાન શું તકેદારી રાખશો? જાણો

સિગ્નલ 9 : સિગ્નલ 8 ની જેમ જ આ પણ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે અત્યંત ગંભીર રીતે ચક્રવાત બંદરની જમણી બાજુથી આગળ વધશે.

સિગ્નલ 10 : સિગ્નલ 10નો અર્થ થાય છે ખૂબ જ તીવ્ર ચક્રવાત બંદરની ઉપરથી અથવા તેની નજીક આવશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ હોઈ શકે છે.

સિગ્નલ 11 : સિગ્નલ 11નો અર્થ એવો પણ થાય છે કે ચક્રવાત વોર્નિંગ ઓફિસની નજીકનો તમામ સંચાર નિષ્ફળ ગયો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ